રાજકોટઃ ચેતેશ્વર પૂજારા ભારતીય ટીમનો એક એવો બેટ્સમેન છે કે જે એકવાર ક્રિઝ પર ટકી જાય તો એને આઉટ કરવાનું બોલરો માટે અઘરું બની જાય છે. ચેતેશ્વર એની સંરક્ષણાત્મક બેટિંગથી ગમે તેવા ખતરનાક બોલરનો આત્મવિશ્વાસને તોડી નાંખે છે. હરીફ ટીમો તો એને આઉટ કરવાની રણનીતિ બનાવી શકતી નહોતી, પણ એની પોતાની જ ટીમના અમુક ખેલાડીઓ પૂજારા વિરુદ્ધ રણનીતિ બનાવતા હતા. આ વાતનો ‘ઘટસ્ફોટ’ ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે સોશિયલ મિડિયામાં કર્યો છે.
ભુવનેશ્વર કુમારે જે ફોટો શેર કર્યો છે તેમાં એ પોતાના સાથી બોલર્સ મોહમ્મદ શમી, ઉમેશ યાદવ અને જસપ્રિત બુમરાહ સાથે એક ગંભીર મુદ્દે ચર્ચા કરતો દેખાય છે. બુમરાહે કેપ્શનમાં લખ્યું કે, ‘થ્રોબેક, એ દિવસ માટે જ્યારે અમે ચેતેશ્વર પૂજારા પર એક ‘ઓલઆઉટ બાઉન્સર એટેક’નું ષડયંત્ર ઘડી રહ્યા હતા.’
આ ફોટોગ્રાફ પર પૂજારાએ કમેન્ટ કરીને કડક જવાબ આપ્યો. પૂજારાએ લખ્યું કે, ‘કેટલો થકાવી દેનારો અનુભવ રહ્યો હશે કે જ્યારે હું આ એટેકને છોડીને ચાલ્યો ગયો હતો.’ પૂજારાએ કેપ્શનમાં ભુવનેશ્વર માટે માસ્ટરમાઈન્ડ હેશટેગનો ઉપયોગ કર્યો છે. ફેન્સે કહ્યું કે, પૂજારાની કમેન્ટને લાઈક કરતા કહ્યું કે, આ બેટ્સમેનને ટ્રોલ કરવો ખૂબ મુશ્કેલ છે. કોરોના વાયરસના કારણે લાંબા સમયથી ઘરમાં કેદી જેવી હાલતમાં રહ્યા બાદ પૂજારા અને રણજી ચેમ્પિયન સૌરાષ્ટ્ર ટીમના કેપ્ટન જયદેવ ઉનડકટે ટીમના અન્ય ખેલાડીઓની સાથે નેટ-વાપસી કરી છે. ગયા માર્ચમાં રણજી ટ્રોફીનું વિજેતાપદ જીત્યા બાદ પહેલીવાર સૌરાષ્ટ્ર ટીમના ખેલાડીઓએ નેટ પ્રેક્ટિસમાં ભાગ લીધો હતો. પૂજારાએ રાજકોટની હદના વિસ્તારમાં આવેલા સ્થળે પોતાની ક્રિકેટ એકેડેમીના મેદાન પર ઉનડકટ, બેટ્સમેન અર્પિત વસાવડા અને મધ્યમ ઝડપી બોલર પ્રેરક માંકડની સાથે પ્રેક્ટિસ શરૂ કરી છે.