નવી દિલ્હી – અર્જુન એવોર્ડ માટે નવા ખેલાડીઓની પસંદગી માટે સમિતિની બેઠક આ મહિને મળવાની છે ત્યારે સમિતિના સભ્યોએ અનેક નામોની સાથે મહિલા વેઈટલિફ્ટર સંજીતા ચાનુનાં નામ ઉપર પણ વિચારણા કરવી પડશે, કારણ કે દિલ્હી હાઈકોર્ટે હુકમ કર્યો છે.
એવોર્ડ્સ યોજના અનુસાર અન્ય એથ્લીટ્સ કરતાં પોતાનાં પોઈન્ટ્સ વધારે હોવાથી પોતાને અર્જુન એવોર્ડ મળવો જોઈએ એવી દલીલ સાથે સંજીતા પોતાનો કેસ હાઈકોર્ટમાં લઈ ગઈ છે. એનું કહેવું છે કે ગયા વર્ષે આ એવોર્ડ માટે પોતાની અવગણના કરવામાં આવી હતી.
ગયા વર્ષે, સંજીતા કરતાં ઓછા પોઈન્ટ્સ ધરાવતા હોવા છતાં ચાર એથ્લીટ્સને એવોર્ડ આપવામાં આવ્યો હતો.
કેન્દ્રીય ખેલ મંત્રાલય વર્ષ 2018 માટેના અર્જુન એવોર્ડ માટે સંજીતાનું નામ ઉમેરવા કબૂલ થયું છે. સંજીતાએ આ વર્ષે ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. વાસ્તવમાં, એણે કોમનવેલ્થ ગેમ્સમાં બેક-ટુ-બેક ગોલ્ડ મેડલ્સ જીત્યા હતા. 2014ની ગ્લાસગો ગેમ્સમાં એણે 48 કિ.ગ્રા. વર્ગમાં ગોલ્ડ જીત્યો હતો અને આ વર્ષે ગોલ્ડ કોસ્ટ ગેમ્સમાં 53 કિ.ગ્રા. વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
ઉલ્લેખનીય છે કે, સંજીતા 2017ની 18 નવેંબરે અમેરિકામાં હાથ ધરાયેલા પરીક્ષણમાં કેફી દ્રવ્યના સેવન માટે દોષી જાહેર થયા બાદ એને 2018ની 15 મેથી કામચલાઉ સસ્પેન્શન હેઠળ મૂકી દેવામાં આવી છે.
આમ છતાં, હાઈકોર્ટે કહ્યું છે કે ચાનુનાં નામ પર વિચારણા કરવી અને પસંદગી સમિતિને જો એવું જણાય કે ચાનુ એવોર્ડ માટે પાત્ર છે તો નિર્ણય એક સીલ કરેલા કવરમાં મૂકી રાખવો અને જો ચાનુને ડોપિંગ કેસમાં નિર્દોષ જાહેર કરાય તો જ એનું નામ એવોર્ડ વિજેતા તરીકે જાહેર કરવું અને કોર્ટને જાણ કરવી.