અમારા ખેલાડીઓમાં નિષ્ઠા છે, પણ અનુભવનો અભાવ હતોઃ વિરાટ કોહલી

લંડન – જો રૂટની આગેવાની હેઠળની ઈંગ્લેન્ડની ટીમે ગઈ કાલે અહીં ઓવલ મેદાન ખાતે પાંચમી અને શ્રેણીની આખરી ટેસ્ટ મેચમાં ભારતને 118 રનથી પરાજય આપીને શ્રેણી 4-1થી જીતી લીધી.

ભારતને જીત માટે 464 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો, પણ ટીમ 345 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ઓપનર લોકેશ રાહુલે 149 અને વિકેટકીપર રિષભ પંતે કારકિર્દીની પહેલી સદી રૂપે 114 રન કરીને ઈંગ્લેન્ડના બોલરોનો પ્રતિકાર કર્યો હતો, પણ ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન અને સાથી બોલરો સામે એમની લડત આખરે ટૂંકી પડી. જેમ્સ એન્ડરસન 22.3 ઓવરમાં 45 રનમાં 3 વિકેટ લઈને ઈંગ્લેન્ડનો બેસ્ટ બોલર હતો. સેમ કરન અને સ્પિનર આદિલ રશીદે 2-2 વિકેટ લીધી હતી જ્યારે સ્ટુઅર્ટ બ્રોડ, મોઈન અલી અને બેન સ્ટોક્સ એક-એક ભારતીય બેટ્સમેનને આઉટ કરવામાં સફળ રહ્યા હતા.

અંતિમ સ્કોર આ પ્રમાણે રહ્યોઃ ઈંગ્લેન્ડ 332 અને 423-8 ડિકલેર. ભારત 292 અને 345.

કારકિર્દીની આખરી મેચમાં 71 અને 147 રન કરનાર ઈંગ્લેન્ડના ઓપનર એલેસ્ટર કૂકને ‘પ્લેયર ઓફ ધ મેચ’ ઘોષિત કરવામાં આવ્યો તો ઈંગ્લેન્ડના યુવા ઓલરાઉન્ડર સેમ કરન અને ભારતના કેપ્ટન વિરાટ કોહલી, બંનેને ‘પ્લેયર ઓફ ધ સીરિઝ’નો એવોર્ડ આપવામાં આવ્યો.

મેચ બાદ કોહલીએ કહ્યું કે, ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની આ શ્રેણી અત્યંત સ્પર્ધાત્મક રહી હતી. ભારતના ખેલાડીઓ નિર્ભયતાપૂર્વક રમ્યા હતા. અમારી ટીમમાં નિષ્ઠા છે, પણ અનુભવનો અભાવ નડી ગયો.

કોહલીએ છેલ્લા દાવમાં સેન્ચુરી ફટકારનાર રાહુલ અને પંતની પ્રશંસા કરી હતી અને કહ્યું કે અંત સુધી લડી લેવાની ટીમની ઈચ્છાશક્તિ જોવા મળી. ઈંગ્લેન્ડની ટીમ એકદમ પ્રોફેશનલ અભિગમવાળી છે. એ લોકો પણ ડ્રો માટે રમ્યા નહોતા અને અમારી જેમ નિર્ભયતાપૂર્વક રમ્યા હતા. એટલા માટે જ શ્રેણીમાં એકેય મેચ ડ્રોમાં પરિણમી નથી.

કોહલીએ પોતે શ્રેણીમાં કુલ 593 રન કર્યા હતા અને ભારત વતી પ્લેયર ઓફ ધ સીરિઝ બન્યો.

જેમ્સ એન્ડરસન આ સાથે કુલ 564 ટેસ્ટ વિકેટ લઈને ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર ફાસ્ટ બોલર બન્યો છે. એણે ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેકગ્રાને પાછળ રાખી દીધો છે. એન્ડરસનની આગળ ત્રણ સ્પિનર છે – મુથૈયા મુરલીધરન, શેન વોર્ન અને અનિલ કુંબલે.

એક જ સીરિઝમાં ચાર ટેસ્ટ ગુમાવવાનો ભારત માટે આ આઠમો પ્રસંગ છેઃ

0-4 ઓસ્ટ્રેલિયામાં, 1947/48

0-5 ઈંગ્લેન્ડમાં, 1959

0-5 વેસ્ટ ઈન્ડિઝમાં, 1961/62

0-4 ઓસ્ટ્રેલિયામાં, 1967/68

0-4 ઓસ્ટ્રેલિયામાં 1991/92

0-4 ઈંગ્લેન્ડમાં, 2011

0-4 ઓસ્ટ્રેલિયામાં, 2011/12

1-4 ઈંગ્લેન્ડમાં, 2018

કારકિર્દીની આખરી ટેસ્ટમાં મેન ઓફ ધ મેચ એવોર્ડ જીતનાર ક્રિકેટરોઃ

ઈયાન રેડપાથ (ઓસ્ટ્રેલિયા)

ગ્રેગ ચેપલ (ઓસ્ટ્રેલિયા)

સરફરાઝ નવાઝ (પાકિસ્તાન)

સુનીલ ગાવસકર (ભારત)

મરે ગૂડવિન (ઝિમ્બાબ્વે)

જેસન ગિલેસ્પી (ઓસ્ટ્રેલિયા)

શેન બોન્ડ (ન્યુ ઝીલેન્ડ)

એલેસ્ટર કૂક (ઈંગ્લેન્ડ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]