મુંબઈ – એક ટીવી ચેટ શોમાં મહિલાઓ વિશે અભદ્ર કમેન્ટ્સ કરવા બદલ ક્રિકેટરો હાર્દિક પંડ્યા અને કે.એલ. રાહુલ પર મૂકવામાં આવેલા વચગાળાના સસ્પેન્શનનો ઓર્ડર ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)નું સંચાલન કરતી કમિટી ઓફ એડમિનિસ્ટ્રેટર્સ (CoA) દ્વારા હાલપૂરતો ઉઠાવી લેવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા આ કેસમાં સુનાવણી પૂરી ન થાય ત્યાં સુધી આ પ્રતિબંધ હટાવેલો રહેશે. આમ, પંડ્યા અને રાહુલને મોટી રાહત મળી છે.
‘કોફી વિથ કરન’ ટીવી શોમાં હાજર થયેલા પંડ્યા અને રાહુલે મહિલાઓ વિશે અણછાજતી, અભદ્ર કમેન્ટ કરી હતી. એની સોશિયલ મિડિયા સહિત વ્યાપક રીતે ખૂબ ટીકા થયા બાદ CoAના આદેશાનુસાર બંને સામે તપાસ પૂરી ન થાય ત્યાં સુધી એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. બંને ક્રિકેટર ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલી ભારતીય ટીમના સભ્યો હતા, પણ બોર્ડના આદેશને પગલે બેઉને તાત્કાલિક રીતે ભારત પાછા બોલાવી લેવામાં આવ્યા હતા.
આ કેસ સુપ્રીમ કોર્ટમાં છે. કોર્ટે સુનાવણી માટે પાંચમી ફેબ્રુઆરીની તારીખ નક્કી કરી છે.
આ કેસમાં કોર્ટને સલાહ આપવા માટે એક સલાહકાર નિમવામાં આવ્યા છે જેમનું નામ છે પી.એસ. નરસિંહા.
પંડ્યા, રાહુલ પરનું સસ્પેન્શન હાલપૂરતું ઉઠાવી લેવાનો નિર્ણય નરસિંહા સાથે મસલત કર્યા બાદ લેવામાં આવ્યો છે.
સસ્પેન્શન ગઈ 11 જાન્યુઆરીથી અમલમાં આવ્યું હતું, પરંતુ આ કેસમાં BCCI લવાદની નિમણૂક ન કરાય ત્યાં સુધી તાત્કાલિક રીતે ઉઠાવી લેવામાં આવ્યું છે, એમ બીસીસીઆઈની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
સસ્પેન્શનને કારણે પંડ્યા અને રાહુલને અમુક મુશ્કેલી નડી છે.
બંને ક્રિકેટર સામે પગલું ભરવાના મામલે CoAનાં સભ્યો વચ્ચે મતમતાંતર સર્જાયું છે.
પંડ્યા-રાહુલની જાતીવાદી કમેન્ટ્સને કારણે થયેલા ઉહાપોહના સંદર્ભમાં ભારતીય ટીમના ખેલાડીઓ માટે વર્તણૂકને લગતી કોઈક માર્ગદર્શિકા ઘડવાનું CoA વિચારે છે.