કેરોલીના રિટાયર હર્ટ થતાં સાઈના બની ઈન્ડોનેશિયા માસ્ટર્સ બેડમિન્ટન વિજેતા

જકાર્તા – ભારતની ઓલિમ્પિક્સ બેડમિન્ટન ચંદ્રકવિજેતા સાઈના નેહવાલને આજે અહીં ઈન્ડોનેશિયા માસ્ટર્સ સ્પર્ધામાં સિંગલ્સની વિજેતા ઘોષિત કરવામાં આવી છે.

ફાઈનલ મેચમાં સ્પેનની ટાઈટલ માટે ફેવરિટ કેરોલીના મેરીન ઈજાગ્રસ્ત થતાં અને મેચમાંથી અધવચ્ચે નિવૃત્ત થઈ જતાં સાઈના વિજેતા બની હતી.

મેરીનને જમણી સાથળમાં નસ ખેંચાઈ ગઈ હતી અને તે વધુ આગળ રમી શકી નહોતી.

ઈન્ડોનેશિયા માસ્ટર્સ સ્પર્ધા જીતનાર સાઈના પહેલી જ ભારતીય મહિલા ખેલાડી બની છે. તે આ સતત બીજી વાર સ્પર્ધાની ફાઈનલમાં પહોંચી હતી.

 

8મી ક્રમાંકિત સાઈના પહેલી જ ગેમમાં 3-9થી પાછળ હતી ત્યારે એણે મારેલા એક શોટને ડીફેન્ડ કરવા જતાં રિયો ઓલિમ્પિક્સની ગોલ્ડમેડલ વિજેતા મેરીનને જમણી સાથળમાં ઈજા થઈ હતી. મેરીને મેચમાં રમવાનું જોકે ચાલુ રાખ્યું હતું, પણ સ્કોર 4-10 પર પહોંચ્યો ત્યારે એ પગમાં દર્દથી વધારે કણસવા લાગી હતી. એણે નિવૃત્ત થવાનો નિર્ણય લીધો હતો અને એ સાથે જ સાઈના વિજેતા ઘોષિત કરવામાં આવી હતી.

સાઈના અગાઉ ચીનની વર્લ્ડ ચેમ્પિયનશિપની કાંસ્યચંદ્રક વિજેતા હી બિન્જીયાઓને 18-21, 21-12, 21-18થી હરાવીને ફાઈનલમાં પહોંચી હતી.