બર્મિંઘમ – આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ-2019 સ્પર્ધામાં આજે ભારતનો મુકાબલો યજમાન ઈંગ્લેન્ડ સામે અહીં એજબેસ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે થવાનો છે. મેચની પૂર્વસંધ્યાએ, શનિવારે, આઈસીસી દ્વારા અહીં વિશેષ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.
એ પત્રકાર પરિષદનું આયોજન બાળકો દ્વારા કરાવવામાં આવ્યું હતું.
દુનિયાભરમાં બાળકોનાં કલ્યાણાર્થે ભંડોળ એકત્ર કરવાની એક યોજના માટે ‘યુનિસેફ’ સંસ્થા અને ‘ICC ક્રિકેટ 4 ગુડ’ દ્વારા હાથ મિલાવવામાં આવ્યા છે. એના ભાગરૂપે આઈસીસીએ ભારત-ઈંગ્લેન્ડ મેચને ‘OneDay4Children’ નામ આપ્યું છે.
એને અનુલક્ષીને શનિવારની પત્રકાર પરિષદનું સંચાલન એક બાળકે કર્યું હતું. પ્રેસ રૂમમાં પત્રકાર પરિષદના આરંભે એક બાળકે પોતાને ભારતીય ટીમના નવા મિડિયા મેનેજર તરીકે ઓળખાવ્યો હતો અને ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની ઓળખાણ કરાવી હતી. કોહલી એની બાજુમાં જ ઊભો હતો.
તે બાળકે કહ્યું હતું, હું સૌનું સ્વાગત કરું છું. મારું નામ એડવર્ડ છે અને હું આજના દિવસ માટે તમારો મિડિયા મેનેજર રહીશ. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની ઓળખાણ કરાવતા મને બહુ આનંદ થાય છે.
આમ કહીને તે બાળકે સવાલ-જવાબ સત્ર શરૂ કરાવ્યું હતું અને પહેલો પ્રશ્ન પૂછનાર એક છોકરીનાં હાથમાં માઈક આપ્યું હતું. તે બાળકીએ કહ્યું હતું, ‘હાઈ વિરાટ, મારું નામ નેહા છે. શું તું આવતીકાલની મેચ માટે રોમાંચિત છો?’
વિરાટે જવાબમાં કહ્યું હતું, હા નેહા. આ સરસ સવાલ પૂછવા બદલ તારો આભાર. હું ઘણો જ રોમાંચિત છું. આ એક વિશેષ પ્રસંગ છે. આનું આયોજન પહેલી જ વાર કરવામાં આવી રહ્યું છે અને આ વિશેષ મેચ માટે અમે સૌ ઘણા જ રોમાંચિત છીએ અને મને આશા છે કે તું પણ મેચ જોવા માટે રોમાંચિત હોઈશ.
સ્પર્ધામાં ભારતીય ટીમ હાલ અપરાજિત રહી છે. એ છ મેચમાંથી પાંચ મેચ જીતી છે અને ન્યૂઝીલેન્ડ સામેની મેચ વરસાદને કારણે પરિણામવિહોણી રહેવા પામી હતી. હવે બાકીની ત્રણ મેચમાંથી એકમાં ભારત જીતશે તો સેમી ફાઈનલમાં પ્રવેશ મેળવી લેશે.
httpss://twitter.com/BCCI/status/1144933530712997888