ટીમ ઈન્ડિયાનાં નવા કેસરી રંગનાં જર્સી; રવિવારે ઈંગ્લેન્ડ સામેની મેચમાં પહેરીને રમશે

લંડન – ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રમાતી આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ-2019 સ્પર્ધામાં ભારતનો મુકાબલો આવતીકાલે, રવિવારે ઈંગ્લેન્ડ સામે થશે. બર્મિંઘમના એજબેસ્ટનમાં રમાનાર આ મેચમાં ભારતના ખેલાડીઓ નવા રંગ-ડિઝાઈનનાં જર્સી પહેરીને મેચ રમશે.

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે આ નવા જર્સીને સોશિયલ મિડિયા પર લોન્ચ કર્યા છે. નવા જર્સીનો રંગ કેસરી છે. ભારતીય ક્રિકેટ ટીમ ક્રિકેટજગતમાં ‘બ્લૂ બ્રિગેડ’ અથવા ‘મેન ઈન બ્લૂ’ નામથી જાણીતી થઈ છે.

ટીમ ઈન્ડિયા માટેના ‘હોમ’ જર્સીથી અલગ એવા નવા ‘અવે’ જર્સી નાઈકી કંપનીએ બનાવ્યા છે. આ જર્સી ભારતીય ટીમના વન-ડે ઈન્ટરનેશનલ મેચો માટેના બ્લુ રંગના જર્સીથી અલગ પ્રકારના છે.

વર્લ્ડ કપ સ્પર્ધા દરમિયાન સ્પર્ધક ટીમોના ખેલાડીઓને બે અલગ અલગ રંગના જર્સી પહેરાવવાનો વિચાર આઈસીસીને એટલા માટે આવ્યો કે ભારતની જેમ ઈંગ્લેન્ડના ક્રિકેટ બોર્ડે પણ તેના ક્રિકેટરોના જર્સી માટે બ્લુ રંગ પસંદ કર્યો છે. એક જ મેચમાં બંને ટીમના ખેલાડીઓએ એક સરખા રંગના જર્સી પહેરીને રમવા ઉતરવું ન જોઈએ, એવું આઈસીસીએ નક્કી કર્યું છે.

આઈસીસીએ એવો પણ નિયમ રાખ્યો છે કે યજમાન ટીમને એક જ રંગની પોતાની જર્સી રાખવાનો અધિકાર રહેશે, પરંતુ મહેમાન ટીમોએ તો બે રંગની જર્સીમાં જ રમવાનું ફરજિયાત રહેશે.

વર્લ્ડ કપ શરૂ થઈ એ પહેલાં જ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)એ એક નવો નિયમ ઘડ્યો હતો અને સ્પર્ધક ટીમોને કહ્યું હતું કે એમણે સ્પર્ધા દરમિયાન હોમ અને અવે, એમ બે પ્રકારના, અલગ અલગ રંગના જર્સી પહેરવાના રહેશે. આઈસીસી દ્વારા યોજિત ટીવી પર પ્રસારિત સ્પર્ધાઓમાં તમામ સ્પર્ધક ટીમોના ખેલાડીઓને જુદા જુદા બે રંગની કિટ્સ પૂરી પાડવામાં આવશે.

ટીમ ઈન્ડિયાના જર્સી માટે નારંગી રંગ પસંદ કરવામાં આવ્યો એને કારણે ભારતમાં કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી જેવા વિરોધ પક્ષોએ વાંધો ઉઠાવ્યો છે અને કહ્યું છે કે કેન્દ્ર સરકારને ખુશ કરવા માટે નારંગી પસંદ કરવામાં આવ્યો છે. ભાજપે જોકે આ વિરોધને ફગાવી દીધો છે.

આઈસીસીનું કહેવું છે કે ટીમ ઈન્ડિયાના જર્સીના કલર કોમ્બિનેશનની જાણકારી પોતે જ બીસીસીઆઈને આપી હતી. ભારતીય ક્રિકેટ બોર્ડને એ કોમ્બિનેશન ગમી ગયું અને તેણે પસંદ કરી લીધું.

આઈસીસીએ એમ પણ કહ્યું છે કે તેણે નારંગી રંગની પસંદગી ભારતીય ટીમની જૂની T20 જર્સીની ડિઝાઈનમાંથી જ પસંદ કર્યો છે, જેમાં ભગવો રંગ છે.

ભારતીય ટીમ છ મેચ રમી ચૂકી છે અને એમાં પાંચમાં જીત મેળવીને 11 પોઈન્ટ સાથે પોઈન્ટ્સ ટેબલમાં ઓસ્ટ્રેલિયા બાદ બીજા નંબરે છે. સેમી ફાઈનલમાં પ્રવેશ મેળવવા માટે ભારતે 1 પોઈન્ટ લેવાની જરૂર છે.
30 જૂન, રવિવારે ઈંગ્લેન્ડ સામેની મેચ બાદ ભારત બીજી જુલાઈએ એજબેસ્ટન, બર્મિંઘમમાં બાંગ્લાદેશ સામે રમશે અને ત્યારબાદ 6 જુલાઈએ હેડિંગ્લી, લીડ્સમાં શ્રીલંકા સામે રમશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]