ચેતન શર્માએ મુખ્ય પસંદગીકારના પદથી રાજીનામું આપ્યું

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના મુખ્ય પસંદગીકાર ચેતન શર્માએ શુક્રવારે એક ટીવી ન્યૂઝ ચેનલના સ્ટિંગ ઓપરેશન સામે આવ્યા પછી પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે તેમની ટીમ અને પસંદગી પ્રક્રિયા વિશે આંતરિક માહિતી શેર કરવાનો કોન્ટ્રેક્ટ તોડ્યો હતો. ત્યાર પછી BCCIએ તેમને રાજીનામું આપવા કહ્યું હતું. હાલ કોલકાતામાં બંગાળ અને સૌરાષ્ટ્રની વચ્ચે રણજી ટ્રોફી ફાઇનલ માટે મોજુદ ચેતન શર્મે માહિતી અનુસાર તેમનું રાજીનામું BCCIના સચિવ જય શાહને મોકલી આપ્યું છે. શાહે પણ તેમના રાજીનામાંનો સ્વીકાર કર્યો છે.

આ પહેલાં T20 વર્લ્ડ કપમાં હાર માટે જવાબદાર ઠેરવવામાં આવતાં આખી સિલેક્શન કમિટીને જ ભંગ કરી દેવામાં આવી હતી. પરંતુ ચેતન શર્માને બોર્ડે ફરીથી બીજો કાર્યકાળ આપ્યો હતો. એક ચેનલના સ્ટિંગ ઓપરેશનમાં ચેતન શર્મા ટીમ ઇન્ડિયામાં સિલેક્શન અને ખેલાડીઓના સંબંધ તથા ફેક ઈન્જેક્શન પર મોટા ખુલાસા કરતા નજરે પડ્યા હતા. આ તમામ વાતચીત એક હિડન કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

T20 વર્લ્ડ કપ 2022માં ટીમ ઈન્ડિયા સેમી ફાઇનલમાંથી બહાર ફેંકાઈ હતી. જે બાદ ચેતન શર્માની અધ્યક્ષતાવાળી BCCIએ પસંદગી સમિતિને રદ કરી નાખી હતી. એ પછી 7 જાન્યુઆરી, 2023એ નવેસરથી સમિતિની રચના કરવામાં આવી હતી. જે બાદ ચેતન શર્માને બીજી વાર તક આપવામાં આવી હતી. પરંતુ આ વખતે માત્ર 40 દિવસ બાદ જ તેમણે પોતાનું પદ છોડવું પડ્યું હતું.

તેમણેએ ટીમ ઈન્ડિયામાં રહેલા હાલના ખેલાડીઓના ફિટનેસને લઈને મોટુ નિવેદન આપ્યું હતું. તેમણે સૌરવ ગાંગુલી અને વિરાટ કોહલી વચ્ચેના વિવાદથી લઈને અનેક ખુલાસા કર્યા હતા. શર્માએ વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચેના મતભેદોની વાત પણ સ્વીકારી હતી. એટલું જ નહીં તેમણે એવું કહ્યું હતું કે  ભારતીય ટીમના ખેલાડીઓ ફેક ઈન્જેક્શન લઈને રમે છે.