નવી દિલ્હીઃ ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (IOA)ના ભૂતપૂર્વ પ્રમુખ નરિન્દર બત્રાએ જાહેર ભંડોળનો કથિતપણે દુરુપયોગ કર્યો હોવાને લગતા એક કેસના સંબંધમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એજન્સીના અધિકારીઓએ આજે એમની ઓફિસ પર દરોડો પાડ્યો હતો.
દિલ્હી હાઈકોર્ટે હોકી ઈન્ડિયા સંસ્થામાં આજીવન સભ્યનું પદ રદબાતલ કરી દીધાં બાદ અને બત્રાને IOAના પ્રમુખ પદેથી રાજીનામું આપવાનો આદેશ આપ્યો હતો. આ જ પદના આધારે બત્રાએ 2017માં IOAના હોદ્દેદારોની ચૂંટણી લડી હતી અને તે જીત્યા હતા. આજે એમણે IOA, ઈન્ટરનેશનલ હોકી ફેડરેશન (એફઆઈએચ)ના પ્રમુખપદેથી તેમજ ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (આઈઓસી)ના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. આ ત્રણેય સંસ્થાને પત્ર મોકલીને એમણે સત્તાવાર રીતે રાજીનામું આપી દીધું છે.
