કેઝાન (રશિયા) – ડાર્ક હોર્સ એવી બેલ્જિયમ ટીમે ગઈ કાલે અહીં ફિફા વર્લ્ડ કપ-2018ની બીજી ક્વાર્ટર ફાઈનલ મેચમાં પાંચ વાર ચેમ્પિયન બની ચૂકેલા બ્રાઝિલને 2-1થી હરાવીને સેમી ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. 10 જુલાઈની સેમી ફાઈનલમાં બેલ્જિયમનો મુકાબલો ફ્રાન્સ સામે થશે, જેણે ઉરુગ્વેને પરાજય આપ્યો હતો.
બેલ્જિયમ 32 વર્ષના સમયગાળા બાદ આ માત્ર બીજી જ વાર વર્લ્ડ કપની સેમી ફાઈનલમાં પ્રવેશ્યું છે.
13મી મિનિટે બ્રાઝિલના ફર્નાન્ડિનોએ સેલ્ફ કરતાં અને 31મી મિનિટે બેલ્જિયમના કેવીન ડી બ્રુનીએ ગોલ કરતાં બેલ્જિયમે હાફ ટાઈમ વખતે જ 2-1ની સરસાઈ મેળવી હતી.
76મી મિનિટે બ્રાઝિલના રીનાટો ઓગસ્ટોએ ગોલ કરતાં બ્રાઝિલ માટે મેચ બચાવવાની આશા જાગી હતી, પરંતુ ત્યારે બહુ મોડું થઈ ગયું હતું.
બ્રાઝિલની ટીમ તેના મહત્ત્વના ડીફેન્સિવ મિડફિલ્ડર કેઝીમીરો વિના રમી હતી, પરિણામે એનું ડીફેન્સ નબળું પડી ગયું હતું.
બ્રાઝિલ 4-3-3ના ફોર્મેશનમાં મેચ રમી હતી અને શરૂઆત આશાસ્પદ રીતે કરી હતી. એને સાતમી મિનિટે જ ગોલ કરવાની ઉત્તમ તક મળી હતી, પણ એણે તે ગુમાવી હતી.
આજે અન્ય બે ક્વાર્ટર ફાઈનલ મેચો રમાશે. પહેલી મેચમાં સ્વીડન અને ઈંગ્લેન્ડ વચ્ચે મુકાબલો થશે અને બીજીમાં રશિયા અને ક્રોએશિયા વચ્ચે ટક્કર થશે.