IPL 2025 પહેલા BCCIએ લીધો મોટો નિર્ણય, બોલરો બોલ પર લગાવી શકશે થૂક

ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ 22 માર્ચથી શરૂ થનારી IPLની નવી સિઝન માટે મોટો નિર્ણય લીધો છે. બોલ પર થૂંક લગાવવા પરનો પ્રતિબંધ હવે હટાવી દેવામાં આવ્યો છે. આ મુદ્દે BCCIમાં લાંબી ચર્ચા થઈ, અને મુંબઈમાં યોજાયેલા IPL ટીમોના કેપ્ટનોના ફોટોશૂટ દરમિયાન આ પ્રસ્તાવ રજૂ કરાયો. તમામ 10 કેપ્ટનોએ આ નિર્ણયને સમર્થન આપ્યું છે.

કોરોના મહામારી દરમિયાન ICCએ સાવચેતીના ભાગરૂપે બોલ પર થૂંકનો ઉપયોગ બંધ કર્યો હતો, જે વર્ષો જૂની પ્રથા હતી. 2022માં ICCએ આ નિયમને કાયમી બનાવી દીધો. IPLમાં પણ કોરોના બાદ આ પ્રતિબંધ ચાલુ રાખવામાં આવ્યો હતો, પરંતુ હવે BCCIએ આ સિઝનથી તેને ખતમ કરવાનું નક્કી કર્યું છે. IPLને વધુ રોમાંચક બનાવવા માટે ગયા વર્ષે ઈમ્પેક્ટ પ્લેયર નિયમ લાગુ કરાયો હતો. BCCIએ નિર્ણય લીધો છે કે આ સિઝનમાં પણ આ નિયમ યથાવત રહેશે, જેથી ટીમોને મેચ દરમિયાન વ્યૂહરચનામાં લવચીકતા મળી રહે.

આ પ્રતિબંધ હટાવવાની માગણી ઘણા દિગ્ગજ ક્રિકેટરો દ્વારા કરવામાં આવી હતી. ભારતના ઝડપી બોલર મોહમ્મદ શમીએ તાજેતરમાં દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફી બાદ કહ્યું હતું, “અમે ઘણા સમયથી અધિકારીઓને કહી રહ્યા છીએ કે થૂંકનો ઉપયોગ ફરી શરૂ કરવા દેવાય, જેથી બોલ સ્વિંગ અને રિવર્સ થઈ શકે.” શમીની આ વાતને વર્નોન ફિલેન્ડર અને ટિમ સાઉથી જેવા આંતરરાષ્ટ્રીય ખેલાડીઓએ પણ ટેકો આપ્યો હતો. આખરે ખેલાડીઓની આ વિનંતી સ્વીકારાઈ છે.