લંડનઃ મેરીલબોન ક્રિકેટ ક્લબ (એમસીસી)એ લિંગ અસમાનતાનો અંત લાવવા ક્રિકેટના કાયદામાં એક ધરખમ ફેરફાર કર્યો છે અને ‘બેટ્સમેન’ શબ્દને બદલે ‘બેટર’ શબ્દ અપનાવ્યો છે. ક્રિકેટની રમતમાં પુરુષ અને મહિલા, બંને જાતિનાં ખેલાડીઓ બેટિંગ કરતાં હોય છે અને હવેથી બંને માટે સમાન – ‘બેટર’ શબ્દ જ વપરાશે. ‘બેટ્સમેન’ કે ‘બેટ્સવુમન’ નહીં.
લંડનમાં લોર્ડ્સ મેદાનની માલિકી ધરાવનાર એમસીસી સંસ્થા ક્રિકેટના કાયદાઓ પર એકમાત્ર સત્તાધીશ સંસ્થા છે. સમાવેશિતાનો વ્યાપ વધારવા માટે એણે પોતાની શબ્દાવલીમાં આ મહત્ત્વનું અપડેટ કરવાનો નિર્ણય લીધો છે. ‘બેટ્સમેન’ શબ્દને બદલે પુરુષ અને મહિલા, બંને ક્રિકેટરો માટે ‘બેટર’ શબ્દ વાપરવાનું સૂચન 2017માં કરવામાં આવ્યું હતું, પરંતુ એ વખતે કોઈ ફેરફાર ન કરવાનું નક્કી કરાયું હતું. એમસીસીના સહાયક સેક્રેટરી જેમી કોક્સે કહ્યું છે કે, ‘ક્રિકેટની રમત સૌને માટે છે એવું એમસીસી માને છે અને તેનો આ નિર્ણય આધુનિક યુગમાં ક્રિકેટના બદલતા પરિવેશનને સ્વીકૃતિ આપે છે.’