મુંબઈઃ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં બેટ્સમેનો માટે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ના રેન્કિંગ્સમાં પહેલો નંબર હાંસલ કર્યો છે. આ સાથે જ, આ નંબર પર ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ સાડા ત્રણ વર્ષ સુધી કરેલા શાસનનો અંત આવી ગયો છે.
સાઉથ આફ્રિકા સામેની ત્રીજી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં બાબરે 94 બોલમાં 82 રન ફટકાર્યા એ સાથે જ પાકિસ્તાને ત્રણ-મેચોની સિરીઝ જીતી હતી અને પોતાના રેટિંગ પોઈન્ટ્સનો આંકડો 865 પર પહોંચાડ્યો હતો. કોહલીના 857 પોઈન્ટ્સ છે. આમ, કોહલી બીજા નંબરે ઉતરી ગયો છે. ત્રીજા નંબર પર રોહિત શર્મા (825 પોઈન્ટ), ચોથે ન્યૂઝીલેન્ડનો રોસ ટેલર (801), પાંચમે ઓસ્ટ્રેલિયાનો આરોન ફિન્ચ (791) છે. આઈસીસી ODI બેટિંગ રેન્કિંગ્સમાં નંબર-1 હાંસલ કરનાર બાબર ચોથો પાકિસ્તાની બન્યો છે. આ સિદ્ધિ આ પહેલાં ઝહીર અબ્બાસ (1983-84), જાવેદ મિયાંદાદ (1988-89) અને મોહમ્મદ યુસુફ (2003) મેળવી ચૂક્યા છે. 26 વર્ષના બાબરે 2015માં વન-ડે ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. અત્યાર સુધીમાં એ 80 મેચોમાં 56.83ની સરેરાશ સાથે 3,808 રન કરી ચૂક્યો છે, જેમાં 13 સદી અને 17 અડધી સદી છે.