સિડની – ભારત સાથે ઓસ્ટ્રેલિયાની ત્રણ વન-ડે ઈન્ટરનેશનલ મેચોની શ્રેણીનો આરંભ 12 જાન્યુઆરીથી થઈ રહ્યો છે. પહેલી મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાશે.
આ શ્રેણીની એક વિશેષતા એ રહેશે કે ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરો પશ્ચાદભૂમિમાં જવાના છે. મતલબ કે તેઓ છેક 1980ના દાયકામાં જે ડ્રેસ પહેરતા હતા એ આ વખતે ફરી પહેરવાના છે.
1986માં ઓસી ક્રિકેટરો જે રંગના જર્સી પહેરતા હતા એ જ આ વખતની શ્રેણીમાં ફરી પહેરીને રમવાના છે. શ્રેણીના આરંભ પૂર્વે આજે ઓસ્ટ્રેલિયન ટીમે જૂના રંગના જર્સી પહેરીને ફોટોશૂટ કરાવ્યું હતું. આ ફોટોશૂટમાં તેઓ 33 વર્ષ પહેલાંનાં રંગવાળા જર્સીમાં જ સજ્જ થયા હતા. 33 વર્ષ પહેલાં, 1986માં એલન બોર્ડરના નેતૃત્ત્વ હેઠળની ઓસ્ટ્રેલિયન ટીમ ભારત સામે આવા જ રંગના જર્સી પહેરીને રમી હતી.
આ જર્સી અંગે ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર પીટર સિડલનું કહેવું છે કે આ બહુ ઉત્સાહવર્ધક નિર્ણય છે.
ઉલ્લેખનીય છે કે, ભારતની હાલની ટીમ સામે ઓસ્ટ્રેલિયાને નિરાશ થવું પડ્યું છે. 3 ટ્વેન્ટી-20 મેચોની સીરિઝ 1-1થી ડ્રોમાં પરિણમી હતી અને 4-ટેસ્ટ મેચોની સીરિઝ ભારત 2-1થી જીતી ગયું છે. હવે વન-ડે શ્રેણીમાં જૂના લકી રંગના ડ્રેસ પહેરીને રમવાથી જીત મળશે એવી કદાચ માન્યતા સાથે ઓસ્ટ્રેલિયન ક્રિકેટરોએ ભૂતકાળવાળો ડ્રેસ ફરી ધારણ કરવાનું નક્કી કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયાએ આગામી શ્રેણી માટેની તેની ટીમમાં સિડલનો ફરી સમાવેશ કર્યો છે. સિડલ લગભગ 9 વર્ષ પછી ઓસ્ટ્રેલિયાની ટીમમાં ફરી સામેલ થયો છે. એ છેલ્લે 2010માં વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં રમ્યો હતો. સિડલની સાથે ઉસ્માન ખ્વાજા, નેથન લિયોને પણ વન-ડે ટીમમાં કમબેક કર્યું છે.
એમની સાથે ઝે રિચર્ડસન, જેસન બેરહનડોર્ફ અને બિલી સ્ટેનલેક જેવા ફાસ્ટ બોલરોનો પણ ઓસ્ટ્રેલિયન ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
આ શ્રેણીમાં ભારતીય ટીમનું સુકાન વિરાટ કોહલી સંભાળશે જ્યારે વાઈસ-કેપ્ટન રોહિત શર્મા રહેશે.
ભારતીય પસંદગીકારોએ આ શ્રેણી માટે વિકેટકીપર-બેટ્સમેન એમ.એસ. ધોનીનો સમાવેશ કર્યો છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 12, 15 અને 18 જાન્યુઆરીએ અનુક્રમે સિડની, એડીલેડ અને મેલબોર્નમાં વન-ડે મેચો રમાશે.
બંને ટીમના ખેલાડીઓ નીચે મુજબ છેઃ
ભારતઃ વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), લોકેશ રાહુલ, શિખર ધવન, અંબાતી રાયડુ, દિનેશ કાર્તિક, મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, કેદાર જાધવ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, રવિન્દ્ર જાડેજા, ભૂવનેશ્વર કુમાર, મોહમ્મદ સિરાજ, ખલીલ એહમદ અને મોહમ્મદ શમી.
ઓસ્ટ્રેલિયાઃ એરોન ફિન્ચ (કેપ્ટન), ઉસ્માન ખ્વાજા, શોન માર્શ, પિટર હેન્ડ્સકોમ્બ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનીસ, એશ્ટન ટર્નર, એલેક્સ કેરે (વિકેટકીપર), ઝે રિચર્ડસન, બિલી સ્ટેનલેક, જેસન બેરનડોર્ફ, પિટર સિડલ, નેથન લિયોન, મિચેલ માર્શ અને એડમ ઝમ્પા.
સિડનીમાં 12 જાન્યુઆરીની મેચ ભારતીય સમય મુજબ સવારે 7.50 વાગ્યાથી શરૂ થશે.
બીજી મેચ ભારતીય સમય મુજબ સવારે 8.50 વાગ્યે અને મેલબોર્નમાં ત્રીજી તથા આખરી મેચ ભારતીય સમય મુજબ સવારે 7.50 વાગ્યે રમાશે.