24-વર્ષે ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ પાકિસ્તાનના પ્રવાસે જશે

ઈસ્લામાબાદઃ પાકિસ્તાન ક્રિકેટને બળ મળે એવા સમાચાર છે. ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડે આવતા વર્ષે માર્ચ-એપ્રિલમાં પોતાની ટીમને પાકિસ્તાનમાં સંપૂર્ણ સ્તરના પ્રવાસે (પૂરી સિરીઝ રમવા) મોકલવા સહમતી દર્શાવી છે. ઓસ્ટ્રેલિયાની ટીમ 24 વર્ષ પછી આ પહેલી જ વાર પાકિસ્તાનના પ્રવાસે આવશે. ઓસ્ટ્રેલિયાની ટીમ પાકિસ્તાનમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ભાગરૂપે ત્રણ ટેસ્ટ મેચ રમશે (કરાચી, રાવલપીંડી અને લાહોર). બંને ટીમ ત્યારબાદ ત્રણ વન-ડે ઈન્ટરનેશનલ અને એક ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના ચીફ એક્ઝિક્યૂટિવ નિક હોક્લીએ કહ્યું છે કે એમની ટીમને જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડવામાં આવે એ માટે તેઓ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સાથે મળીને કામ કરશે.

ઓસ્ટ્રેલિયાની ટીમ છેલ્લે 1998માં પાકિસ્તાનના સંપૂર્ણ પ્રવાસે આવી હતી. ગયા સપ્ટેમ્બરમાં ન્યૂઝીલેન્ડની ટીમ પાકિસ્તાનમાં શ્રેણીઓ રમવા પહોંચી હતી, પરંતુ સુરક્ષા પર ખતરો જણાતાં એકેય મેચ રમ્યા વિના ત્યાંથી સ્વદેશ પાછી ફરી હતી. ઈંગ્લેન્ડે પણ પાકિસ્તાનમાં ટીમ મોકલવાની ના પાડી છે. ભારતે પણ 2008ના મુંબઈ ટેરર હુમલાઓ બાદ પાકિસ્તાન સાથે દ્વિપક્ષી શ્રેણીઓ રમવાનો ઈનકાર કરી દીધો છે.