વિશાખાપટનમ – અહીંના રેડ્ડી સ્ટેડિયમ ખાતે આજે રમાઈ ગયેલી પહેલી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલમાં ઓસ્ટ્રેલિયાનો 3-વિકેટથી વિજય થયો છે. ભારતે તેના હિસ્સાની 20 ઓવરમાં કરેલા 126-7 સ્કોરના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં 7 વિકેટે 127 રન કરીને મેચ જીતી લીધી હતી.
બીજી અને સીરિઝની આખરી મેચ 27મીએ બેંગલુરુમાં રમાશે.
ઓસ્ટ્રેલિયાને મેચ જીતવા માટે છેલ્લી ઓવરમાં 14 રન કરવાના હતા. ફાસ્ટ બોલર ઉમેશ યાદવે ફેંકેલી તે ઓવરમાં કાંગારું બેટ્સેનો – પેટ કમિન્સ (7*) અને જે રિચર્ડસન (7*) બે ચોગ્ગા સહિત જરૂરી રન કરીને મેચ જીતી ગયા હતા.
ઓસ્ટ્રેલિયાની જીતનો મુખ્ય શ્રેય જાય છે ગ્લેન મેક્સવેલને, જેણે 43 બોલમાં બે છગ્ગા અને 6 ચોગ્ગા સાથે 56 રન ફટકાર્યા હતા. ઓપનર ડી આર્સી શોર્ટે 37 રન કર્યા હતા. કેપ્ટન ફિન્ચ ઝીરો પર આઉટ થયો હતો.
ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે 4 ઓવરમાં 16 રન આપીને 3 વિકેટ લઈને ભારત માટે જીતનો માર્ગ મોકળો કરી આપ્યો હતો, પણ ઉમેશ યાદવની આખરી ઓવર મોંઘી પડી ગઈ હતી.
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન આરોન ફિન્ચે ટોસ જીતીને પહેલા ભારતને બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. ભારતના દાવમાં કે.એલ. રાહુલ 50 રન સાથે ટોપ સ્કોરર રહ્યો હતો. કેપ્ટન વિરાટ કોહલીએ 24 રન કર્યા હતા અને મહેન્દ્ર સિંહ ધોની 29 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.
કારકિર્દીની પહેલી જ મેચ રમનાર લેગસ્પિનર મયંક માર્કન્ડેએ 4 ઓવરમાં 31 રન આપ્યા હતા અને એકેય વિકેટ લીધી નહોતી.