પુલવામા શહીદો માટે મૌન પાળતી વખતે જ્યારે કોહલીએ ક્રાઉડને શાંત રહેવાનો ઈશારો કર્યો હતો

વિશાખાપટનમ – ઓસ્ટ્રેલિયા સામે અહીંના રેડ્ડી સ્ટેડિયમ ખાતે રવિવારે રમાઈ ગયેલી પહેલી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચના આરંભ પૂર્વે પુલવામા હુમલામાં શહીદ થયેલા ભારતીય સૈનિકોની યાદમાં બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.

જમ્મુ અને કશ્મીરના પુલવામા જિલ્લામાં આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા સીઆરપીએફના 40 જવાનોનાં માનમાં એક મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.

મેદાનમાં મૌન પાળતી વખતે ભારતની સાથે ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરો પણ ઊભા રહ્યા હતા.

ભારતીય ખેલાડીઓ શોક વ્યક્ત કરવા માટે પોતાના ડાબા હાથ પર કાળી પટ્ટી પણ બાંધીને રમ્યા હતા.

મૌન પાળવામાં આવી રહ્યું હતું ત્યારે સ્ટેડિયમમાં મોટે ભાગે શાંતિ હતી, પણ અમુક દર્શકો તરફથી અવાજ આવી રહ્યો હતો.

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ એની નોંધ લીધી હતી અને ક્રાઉડ તરફ ઈશારો કરીને એમને ચૂપ રહેવા કહ્યું હતું.

કોહલીના તે ઈશારાને પગલે દર્શકગણમાંથી અવાજ એકદમ સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો.

ભારત તે મેચ સાવ છેલ્લા બોલે 3-વિકેટથી હારી ગયું હતું. બે મેચની સીરિઝની આખરી મેચ 27 ફેબ્રુઆરીએ બેંગલુરુમાં રમાશે.

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે આ વખતની આઈપીએલ સ્પર્ધાનો ઉદઘાટન સમારંભ યોજવાનો વિચાર પડતો મૂક્યો છે અને શહીદ સૈનિકોનાં પરિવારજનોની રાહત માટે રૂ. 15 કરોડની રકમનું દાન કરવાની જાહેરાત પણ કરી છે.