વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે રમવું કે નહીં? ભારતે હજી નિર્ણય લીધો નથી

મુંબઈ – જમ્મુ અને કશ્મીરના પુલવામા જિલ્લામાં 40 ભારતીય સૈનિકોનો ભોગ લેનાર આતંકવાદી હુમલાને લીધે ભારતે આગામી મે મહિનામાં ઈંગ્લેન્ડમાં રમાનાર 50-ઓવરોવાળી ક્રિકેટ મેચોની વર્લ્ડ કપ સ્પર્ધામાં પાકિસ્તાન સામે રમવું ન જોઈએ એવી દેશભરમાં માગણી ઊભી થઈ છે.

આ વિશેનો નિર્ણય ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) લે એવું લોકો ઈચ્છે છે. હાલ બીસીસીઆઈનો વહીવટ કામચલાઉ રીતે સુપ્રીમ કોર્ટે નિમેલી કમિટી ઓફ એડમિનિસ્ટ્રેટર્સ (CoA) સંભાળે છે. પાકિસ્તાન સામે રમવું કે નહીં એનો નિર્ણય CoA લેશે. તે આજે નિર્ણય લે એવી ધારણા હતી, પણ એણે નિર્ણય લીધો નથી.

CoAના ચેરમેન વિનોદ રાયે કહ્યું છે કે અમે હજી નિર્ણય લીધો નથી. આ વિશેનો આખરી નિર્ણય કેન્દ્ર સરકાર સાથે મસલત કર્યા બાદ જ લેવામાં આવશે.

રાયે એમ પણ કહ્યું છે કે CoA ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ને પત્ર લખશે અને પુલવામા આતંકવાદી હુમલા વિશે પોતાની ચિંતા રજૂ કરશે. સાથોસાથ, આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રિકેટનું સંચાલન કરતી આ સંસ્થાને એમ પણ કહેશે કે ખેલાડીઓ તથા અધિકારીઓની સલામતી પર યોગ્ય ધ્યાન આપવાની જરૂર છે.

વિનોદ રાયઃ CoAના ચેરમેન

રાયને એવું કહેતા ટાંકવામાં આવ્યા છે કે અમે ક્રિકેટ રમતા દેશોને જણાવીશું કે જે દેશોમાંથી ત્રાસવાદનો ફેલાવો કરવામાં આવતો હોય એવા દેશો સાથે ભવિષ્યમાં આપણે ક્રિકેટના સંબંધ રાખવા ન જોઈએ.

રાયે એમ કહ્યું છે કે વર્લ્ડ કપ શરૂ થવાને હજી ઘણા દિવસોની વાર છે તેથી અમે સરકાર સાથે મસલત કરીને યોગ્ય નિર્ણય લઈશું.

આઈસીસી વર્લ્ડ કપ 2019 સ્પર્ધા 30 મેથી શરૂ થશે. પહેલી મેચ લંડનના ધ ઓવલ મેદાન પર ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે.

સ્પર્ધા 10 ટીમ વચ્ચે રમાશે. આ દસ ટીમ છે – ઈંગ્લેન્ડ, ભારત, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, બાંગલાદેશ, શ્રીલંકા અને અફઘાનિસ્તાન.

ભારતની પહેલી મેચ પાંચ જૂને સાઉધમ્પ્ટનમાં દક્ષિણ આફ્રિકા સામે છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 16 જૂને માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફ્ફર્ડમાં રમવાનું નિર્ધારિત છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]