ઓસ્ટ્રેલિયાએ IPL-2022માં ભાગ લેવા ક્રિકેટરોને મંજૂરી આપી

નવી દિલ્હીઃ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ છઠ્ઠી એપ્રિલથી IPL-2022 સીઝનમાં ભાગ લેવા માટે કરાર કરેલા ક્રિકેટરોને નો-ઓબ્જેક્શન લેટર (NOC) આપ્યો છે. જેથી ઓસ્ટ્રેલિયન ક્રિકેટરોમાં ડેવિડ વોર્નર, પેટ કમિન્સ અને ગ્લેન મેક્સવેલ જેવા ક્રિકેટરો પાકિસ્તાનની સામે વાઇટ બોલ સિરીઝમાં ભાગ નહીં લે, પણ ઓસ્ટ્રેલિયા ત્યાં સુધી કરાર કરેલા સ્ટાર્સને IPLમાં સામેલ થવા નહીં દે, જ્યાં સુધી તેઓ પાકિસ્તાનનો પ્રવાસ પૂરો ના કરે. તેઓ પાકિસ્તાન પ્રવાસ પૂરો થયા પછી IPLની ફ્રેન્ચાઇઝી માટે ઉપલબ્ધ હશે, એમ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાનાં સૂત્રોએ કહ્યું હતું.

ઓસ્ટ્રેલિયા 1998 પછી સૌપ્રથમ વાર ત્રણ ટેસ્ટ મેચ, ત્રણ ODI અને એક T20i માટે પાકિસ્તાનના પ્રવાસે જશે. છેલ્લી મેચ પાંચ એપ્રિલે રમાવાની છે. પાકિસ્તાન પ્રવાસે ટેસ્ટ રમનારી ટીમ અને સ્ટાફ આ સપ્તાહના અંતે પાકિસ્તાન જવા રવાના થશે, જ્યારે વાઇટ બોલથી ક્રિકેટર્સ અને સ્ટાફ વનડે અને T20iની ટુર માટે પ્રવાસના મધ્યથી સામેલ થશે. વોર્નર અને મિશેલ માર્શ દિલ્હી કેપિટલ્સ માટે રમશે, જ્યારે ગ્લેન મેક્સવેલ અને જોશ હેઝલવુડ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનું પ્રતિનિધિત્વ કરશે. IPL-2022 સીઝન માર્ચના છેલ્લા સપ્તાહથી શરૂ થવાની અપેક્ષા છે.

ઓસ્ટ્રેલિયાની ODI અને T20 ટીમ આ મુજબ છેઃ એરોન ફિન્ચ (C), સીન એબોટ, એસ્ટ્રોન અગર, જેસન બેહરેનડોર્ફ, એલેક્સ કેરી, નાથન એલિસ, કેમરન ગ્રીન, ટ્રેવિસ હેડ, જોશ ઇંગલિશ, મિશેન માર્શ, કેન રિચર્ડસન, સ્ટીવ સ્મિથ, માર્કસ સ્ટોઇનિસ અને એડન જમ્પા છે.