જકાર્તા- એશિયન ગેમ્સ 2018ના છઠ્ઠા દિવસે ભારત કુલ 6 ગોલ્ડ મેડલ સહિત 24 મેડલ મેળવી પદક ક્રમાંકમાં સાતમાં સ્થાને છે. ભારતે 5 સિલ્વર અને 13 બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. 6 ગોલ્ડ મેડલ કોણે કોણે જીત્યા તેના ઉપર એક નજર.એશિયન ગેમ્સમાં આજે ભારત માટે ગોલ્ડન ડે રહ્યો હતો. બોપન્ના-દિવિજની જોડીએ 8 વર્ષ બાદ ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. બોપન્ના અને શરણની જોડીએ મેન ડબલ્સ કેટેગરીના ફાઇનલમાં ઐતિહાસિક જીત હાંસલ કરવાની સાથે જ સ્વર્ણપદક પોતાના નામે કરી લીધો છે. ભારતીય જોડીએ આ ઐતિહાસિક મુકાબલામાં કઝાખસ્તાનના એલેક્ઝાન્ડર બુબલિક અને ડેનિસ યેવેસેવની જોડીએ સીધા સેટમાં 52 મિનિટથી 6-3, 6-4 હરાવીને મેચ જીતી લીધી છે.
આજે નૌકાયાનમાં ક્વાડરપલ સ્કલ્સમાં ભારતે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ગોલ્ડ મેડલ જીતનારી ટીમમાં દત્તુ ભોકનાળ, ઓમ પ્રકાશ, સ્વર્ણ સિંહ, સુખમીત સિંહ સામેલ હતા.
એશિયન ગેમ્સમાં ટેનિસની મેન ડબલ્સ સ્પર્ધામાં ભારતને મળેલો આ પાંચમો ગોલ્ડ મેડલ છે. આ પહેલા ભારતે વર્ષ 1994, 2002, 2006 અને 2010માં ગોલ્ડ મેડલ જીત્યો. મહત્વનું છે કે, બોપન્નાએ એશિયન ગેમ્સમાં પ્રથમ વખત ગોલ્ડ મેડલ જીત્યો હતો.
એશિયન ગેમ્સના પ્રથમ દિવસે કુસ્તીબાજ બજરંગ પુનિયાએ ભારતને પહેલો ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. તેણે મેન્સ ફ્રીસ્ટાઇલ કુશ્તીના 65 કિલોગ્રામ વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
બીજો ગોલ્ડ મેડલ રેસલર વિનેશ ફોગાટે અપાવ્યો હતો. વિનેશ ફોગટે મહિલા ફ્રીસ્ટાઇલ 50 કિલોગ્રામ વજન વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
શૂટિંગમાં સૌરભ ચૌધરીએ મેન્સ 10 મીટર પિસ્તોલમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ વખતની એશિયન ગેમ્સમાં શુટિંગનો આ પ્રથમ ગોલ્ડ મેડલ હતો.
વુમન્સ 25 મીટર પિસ્તોલ ઇવેન્ટમાં રાહી સરનોબતે ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.