15 વર્ષના શાર્દુલ વિહાનની કમાલ; એશિયન ગેમ્સમાં શૂટિંગમાં સિલ્વર મેડલ જીત્યો

જકાર્તા – અહીં રમાતી 18મી એશિયન ગેમ્સમાં આજે પાંચમો દિવસ છે અને ભારતે રજત ચંદ્રક જીત્યો છે. આ મેડલ અપાવનાર છે 15 વર્ષનો શાર્દુલ વિહાન.

શાર્દુલે પુરુષોની શૂટિંગ રમતમાં ડબલ ટ્રેપ હરીફાઈમાં સિલ્વર જીતીને સૌને ચોંકાવી દીધા છે.

શાર્દુલ ઉત્તર પ્રદેશના મેરઠનો રહેવાસી છે. આ નવોસવો શૂટર ફાઈનલમાં કોરિયાના અનુભવી શૂટરને હરાવી શક્યો નહીં, જોકે એના દેખાવથી ગેમ્સમાં સનસનાટી મચી ગઈ છે.

ગયા વર્ષે શાર્દુલ 14 વર્ષનો હતો ત્યારે એણે શોટગન નેશનલ ચેમ્પિયનશિપમાં ચાર ગોલ્ડ મેડલ જીત્યા હતા.

શાર્દુલના કોચ છે અન્વર સુલતાન, જે એશિયન ચેમ્પિયનશિપના ભૂતપૂર્વ ડબલ ગોલ્ડ મેડલિસ્ટ છે.

શાર્દુલે ગયા વર્ષે મોસ્કોમાં રમાઈ ગયેલી જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં છઠ્ઠો ક્રમ હાંસલ કર્યો હતો અને એ માટે એની પ્રશંસા થઈ હતી.

અંકિતા રૈનાએ મહિલા ટેનિસમાં, કાંસ્ય જીત્યો

અંકિતા રૈનાએ પણ મેડલ્સની યાદીમાં પોતાનું નામ સામેલ કર્યું છે. એણે મહિલાઓની સિંગલ્સ ટેનિસમાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. આ સિદ્ધિ હાંસલ કરનાર એ માત્ર બીજી જ ભારતીય મહિલા બની છે.

25 વર્ષની અંકિતાને તો ગોલ્ડ મેડલ જીતવો હતો, પણ ચીનની શુઆઈ જેંગ સામે એ 4-6, 6-7થી હારી જતાં કાંસ્ય ચંદ્રકથી સંતોષ માનવો પડ્યો છે. મેચ દરમિયાન એ ઈજાગ્રસ્ત થઈ હતી અને એને બ્રેક લેવો પડ્યો હતો. ફિઝીયો અને ડોક્ટર દ્વારા ચેકઅપ કરાયા બાદ એ કોર્ટમાં ફરી હાજર થઈ હતી, પણ એ પોતાની રીધમ ગુમાવી બેઠી હતી.

વર્તમાન ગેમ્સમાં ટેનિસની રમતમાં ભારતનો આ પહેલો મેડલ છે. મેડલ્સની યાદીમાં ભારત હાલ 9મા નંબરે છે.