અશ્વિન બન્યો ભારતનો સૌથી સફળ બોલર

નાગપુરઃ અહીંના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન મેદાન પર આજથી શરૂ થયેલી શ્રેણીની પહેલી ટેસ્ટ મેચમાં ભારતના બોલરોએ જોરદાર દેખાવ કરીને પ્રવાસી ઓસ્ટ્રેલિયન ટીમને પહેલા દાવમાં માત્ર 177 રનમાં ઓલઆઉટ કરી દીધી છે. ડાબોડી સ્પિનર રવિન્દ્ર જાડેજાએ પાંચ વિકેટ જ્યારે ઓફ્ફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને 3 વિકેટ ઝડપી હતી. અશ્વિને આ પરફોર્મન્સ સાથે નવો ઈતિહાસ રચ્યો છે. એણે સૌથી ઝડપે 450 ટેસ્ટ વિકેટ હાંસલ કરીને નવો રેકોર્ડ કર્યો છે. એણે દુનિયાના દિગ્ગજ બોલરોને પાછળ રાખી દીધા છે. સૌથી વધુ ઝડપે 450 ટેસ્ટ વિકેટ લેનાર તે દુનિયાનો બીજા નંબરનો બોલર બન્યો છે.

36 વર્ષીય અશ્વિને આજની મેચ પૂર્વે 88 ટેસ્ટ મેચોમાં 449 વિકેટ ઝડપી હતી. આજે ઓસ્ટ્રેલિયાનો એલેક્સ કેરી તેનો 450મો શિકાર બન્યો હતો. ભારત વતી આ વિક્રમ અગાઉ લેગસ્પિનર અનિલ કુંબલેના નામે હતો, જેણે 93 ટેસ્ટમેચોમાં 450 વિકેટ ઝડપી હતી. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપે 450 વિકેટ લેવાનો વિશ્વવિક્રમ ધરાવે છે શ્રીલંકાનો ઓફ્ફ સ્પિનર મુથૈયા મુરલીધરન. એણે 80મી ટેસ્ટમાં 450 વિકેટ પૂરી કરી હતી.

ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર ગ્લેન મેકગ્રાએ 100 ટેસ્ટમાં, ઓસ્ટ્રેલિયાના લેગસ્પિનર સ્વ. શેન વોર્ને 101 ટેસ્ટમાં અને ઓસ્ટ્રેલિયાનો સ્પિનર નેશન લાયને 112 ટેસ્ટમાં 450 વિકેટ ઝડપી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]