નવી દિલ્હીઃ સ્પોર્ટ્સ મંત્રાલયે ભારતીય જુનિયર મહિલા હોકી ટીમના કોચ પર લાગેલા યૌન શોષણના આરોપોની તપાસના આદેશ આપ્યા છે. ભારતીય જુનિયર મહિલા હોકી ટીમને FIH હોકી જુનિયર વર્લ્ડ કપ 2025માં ભાગ લેવા માટે ચિલીના સાન્તિયાગો જવાનું છે. આ ટુર્નામેન્ટ પહેલી ડિસેમ્બરથી શરૂ થવાની છે અને એ પહેલાં જ સ્પોર્ટ્સ મંત્રાલયે આ પગલું લીધું છે.
જુનિયર મહિલા હોકી ટીમના કોચ પર યૌન શોષણનો આક્ષેપ
ભારતીય જુનિયર મહિલા હોકી ટીમે છેલ્લા દિવસોમાં કરેલા વિદેશી પ્રવાસોમાંથી એક દરમિયાન ખોટા વર્તનની જાણ કરવામાં આવી હતી. આ પ્રવાસો જૂનમાં આર્જેન્ટિના, બેલ્જિયમ અને નેધરલેન્ડ્સ અને સપ્ટેમ્બરમાં ઓસ્ટ્રેલિયાના હતા. માનવામાં આવે છે કે મહિલા ટીમની એક સભ્ય ઘણી વાર કોચના રૂમમાં જતા જોવા મળી હતી.
આ મામલે સ્પોર્ટ્સ મંત્રાલય સાથે જોડાયેલા એક અધિકારીએ કહ્યું હતું કે અમે પહેલાં તપાસના રિપોર્ટની રાહ જોઈશું અને પછી કોઈ પગલું લઈશું. અમારો વિભાગ આવા મામલાઓને ખૂબ ગંભીરતાથી લે છે અને જો કોઈ દોષી હશે તેને અમે કડક કાર્યવાહી કરીશું. જોકે હજુ સુધી ન તો સ્પોર્ટ્સ મંત્રાલય, ન ભારતીય રમત પ્રાધીકરણ અને ન તો ભારતમાં ફીલ્ડ હોકીની ગવર્નિંગ બોડી હોકી ઇન્ડિયા પાસે કોઈ ઔપચારિક ફરિયાદ કરવામાં આવી નથી.
સ્પોર્ટ્સ મંત્રાલયે તપાસના આદેશ આપ્યા
આ મામલો પછી સ્પોર્ટ્સ મિનિસ્ટર મનસુખ માંડવિયા પાસે પહોંચ્યો હતો અને તેમણે તપાસના આદેશ આપ્યા છે. સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીના એક સૂત્રે જણાવ્યું હતું કે આ ગંભીર મામલો અમારા ધ્યાન પર લાવવામાં આવ્યો હતો અને તેથી તપાસના આદેશ આપવામાં આવ્યા છે. હાલમાં અમે જલદીમાં કંઈ કહેવું નથી ઈચ્છતા, કારણ કે પહેલા અમારે વિગતો જાણવી જોઈએ. અમે રિપોર્ટની રાહ જોઈશું અને પછી પગલું લઈશું.
આ મામલે હોકી ઇન્ડિયાના સેક્રેટરી જનરલ ભોલાનાથ સિંહે જણાવ્યું કે આ પહેલી વાર છે જ્યારે હું આવા મામલા વિશે સાંભળી રહ્યો છું. હું એવી કોઈ બાબતે ટિપ્પણી કરી શકતો નથી જે હોકી ઇન્ડિયા સામે રજૂ કરવામાં આવી નથી. અમે મિનિસ્ટ્રીની રિપોર્ટની રાહ જોઈશું, છતાં તેઓએ (મિનિસ્ટ્રીના અધિકારીઓએ) હજુ સુધી આ સંવેદનશીલ મામલે અમારો સંપર્ક કર્યો નથી.


