જોહનિસબર્ગ – દક્ષિણ આફ્રિકાના ધરખમ બેટ્સમેન એબી ડી વિલિયર્સે તાત્કાલિક રીતે અમલમાં આવે એ રીતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે.
એબી ડી વિલિયર્સ 114 ટેસ્ટ, 228 વન-ડે ઈન્ટરનેશનલ અને 78 ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચો રમ્યો છે.
34 વર્ષના એબી ડી વિલિયર્સે એવો અભિપ્રાય વ્યક્ત કર્યો છે કે 14-વર્ષની કારકિર્દીને સમાપ્ત કરી દેવાનો આ યોગ્ય સમય છે એવું એને જણાયું છે.
‘મેં તાત્કાલિક રીતે અમલમાં આવે એ રીતે તમામ પ્રકારની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે. હવે જવાબદારી અન્યોને સુપરત કરી દેવાનો આ યોગ્ય સમય છે. મેં મારું કામ કરી બતાવ્યું છે અને સાચું કહું તો હું હવે થાકી ગયો છું,’ એમ તેણે કહ્યું છે.
નિવૃત્તિ લેવાનો નિર્ણય લેવામાં મને બહુ તકલીફ પડી છે. હું ઘણા વખતથી એ વિશે વિચારતો હતો. હું અસરદાર ક્રિકેટ રમતો હોઉં ત્યારે જ રિટાયર થાઉં એવું ઈચ્છતો હતો. ભારત અને ઓસ્ટ્રેલિયા સામેની જોરદાર શ્રેણીઓ પૂરી થયા બાદ હવે મને લાગે છે કે રાજીનામું આપવાનો આ શ્રેષ્ઠ સમય છે, એમ તેણે વધુમાં કહ્યું છે.
ડી વિલિયર્સે વધુમાં કહ્યું છે કે, આ નિર્ણય લેવા પાછળ કોઈ અન્ય ક્ષેત્રમાં વધારે કમાણી કરવા વિશેનો હેતુ નથી. આ નિર્ણય માત્ર એટલા માટે લીધો છે કે હવે શક્તિ ઘટી ગઈ છે. દરેક ચીજનો ક્યારેક તો અંત આવતો જ હોય છે. મારી સાથે સદ્દવ્યવહાર તથા ઉદારતા દાખવનાર દક્ષિણ આફ્રિકા તથા દુનિયાભરના ક્રિકેટ પ્રશંસકોનો હું આભાર માનું છું.
નિવૃત્તિ લીધા પછી વિદેશમાં કોઈ ટીમ વતી રમવાનો પણ મારો કોઈ પ્લાન નથી. હું સ્થાનિક ક્રિકેટમાં રમવાનું ચાલુ રાખવા ઈચ્છું છું. ફાફ ડુ પ્લેસી અને દક્ષિણ આફ્રિકાના ક્રિકેટરોનો હું કાયમ સૌથી મોટો સમર્થક રહીશ, એમ ડી વિલિયર્સે વધુમાં જણાવ્યું છે.