કરાચીઃ વેસ્ટ ઈન્ડિઝની ટીમ ત્રણ ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ અને 3 વન-ડે ઈન્ટરનેશનલ મેચોની શ્રેણીઓ રમવા માટે પાકિસ્તાન પહોંચી છે. 13 ડિસેમ્બરના સોમવારે કરાચીના નેશનલ સ્ટેડિયમમાં પહેલી ટ્વેન્ટી-20 મેચ રમાશે. ત્યારબાદ 3 વન-ડે મેચો પણ આ જ મેદાન પર રમાશે.
આ શ્રેણીઓ વખતે સુરક્ષા બંદોબસ્ત અત્યંત કડક રાખવા માટે સત્તાવાળાઓએ ખાસ યોજના ઘડી છે. સ્ટેડિયમમાં, સ્ટેડિયમની બહાર, સ્ટેડિયમની તરફના માર્ગો, પ્રેક્ટિસ મેદાનો, પાર્કિંગ એરિયા, ખેલાડીઓના ઉતારાની હોટેલ્સ તથા આસપાસના અન્ય વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા સંભાળવામાં કરાચી પોલીસના 13 સિનિયર અધિકારીઓ સહિત 46 ડેપ્યૂટી પોલીસ સુપ્રીન્ટેન્ડન્ટ્સ, 315 નેશનલ ગાર્ડ્સ, 3,822 કોન્સ્ટેબલ્સ અને હેડ કોન્સ્ટેબલ્સ, 50 મહિલા પોલીસકર્મીઓ, રેપિડ રીસ્પોન્સ ફોર્સના 500 જવાન અને સ્પેશિયલ સિક્યુરિટી યુનિટના 889 કમાન્ડોને તહેનાત કરાશે. તે ઉપરાંત, સ્ટેડિયમ અને હોટેલ્સની અંદર સ્પેશિયલ બ્રાન્ચના જવાનો સાદા વસ્ત્રોમાં ફરશે. કોઈ તાકીદની પરિસ્થિતિ ઊભી થાય તો એક વિશેષ શસ્ત્ર અને રણનીતિ ટૂકડીને પણ સ્ટેન્ડબાય રખાશે.
