કોહલી સહિત 7 ખેલાડી આવતીકાલે લંડન રવાના થશે

મુંબઈઃ આઈપીએલ-2023માં લીગ તબક્કાની મેચો સમાપ્ત થઈ ચૂકી છે. આવતીકાલે ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે પહેલો નોકઆઉટ મુકાબલો થશે. 28 મેએ ફાઈનલ મેચ રમાશે. ત્યારબાદ ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે લંડનમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ રમાશે. તે મેચ ઓવલ મેદાન પર 7 જૂનથી 11 જૂન સુધી રમાશે. તે મેચમાં રમવા માટે ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી સહિત સાત ખેલાડી આવતીકાલે લંડન માટે રવાના થવાના છે. એમની સાથે ટીમના વડા કોચ રાહુલ દ્રવિડ પણ જશે.

આવતીકાલે લંડન માટે રવાના થનાર ખેલાડીઓ છેઃ વિરાટ કોહલી, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટ અને રવિચંદ્રન અશ્વિન. આઈપીએલ-2023માં આ ખેલાડીઓના પડકાર-પ્રવાસનો અંત આવી ગયો છે. આ સાત ખેલાડી ઉપરાંત નેટ બોલર તરીકે અનિકેત ચૌધરી, આકાશ દીપ અને વાઈ. પૃથ્વીરાજ પણ લંડન જશે. કેપ્ટન રોહિત શર્માના નેતૃત્ત્વવાળી મુંબઈ ઈન્ડિયન્સ ટીમ આઈપીએલ-2023ના પ્લેઓફ્સમાં પ્રવેશી છે. એ આઈપીએલ ફાઈનલ મેચ રમાઈ ગયા બાદ બીજા દિવસે, 29 મેએ લંડન જવા રવાના થશે.