એજબેસ્ટન – અહીં ઈંગ્લેન્ડ સામે રમાતી ભારતની પહેલી ટેસ્ટ મેચમાં આજે બીજા દિવસે ત્રીજા સત્રની રમતમાં ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ એની કારકિર્દીની શાનદાર 22મી સદી પૂરી કરી છે. કેપ્ટન તરીકે એની આ 15મી સદી છે. ભારતનો દાવ અંતે 274 રને પૂરો થયો હતો. કોહલી વ્યક્તિગત 149 રનના સ્કોર પર છેલ્લો આઉટ થયો હતો. કોહલીના ભગીરથ સંઘર્ષ અને લડાયક ઈનિંગ્ઝને કારણે ઈંગ્લેન્ડ ઉપર ભારતનું દેવું માત્ર 13 રનનું જ રહ્યું છે. કોહલીના 149 રન 225 બોલમાં અને 22 ચોગ્ગાની મદદથી થયા હતા. ભારતનો બીજો કોઈ પણ બેટ્સમેન વ્યક્તિગત 30 રનના આંકે પણ પહોંચી શક્યો નહોતો ત્યાં કોહલીએ દોઢસો રન ફટકારી દીધા. દિવસને અંતે, ભારતે ઈંગ્લેન્ડના બીજા દાવમાં 9 રનમાં એક વિકેટ પણ પાડી દીધી હતી. ઓફ્ફ સ્પિનર અશ્વિને ઓપનર એલેસ્ટર કૂકને બોલ્ડ કર્યો હતો. કૂક પહેલા દાવમાં પણ અશ્વિનની જ બોલિંગમાં બોલ્ડ થયો હતો.
અગાઉ, 67મી ટેસ્ટ મેચ રમતા કોહલીએ ચોગ્ગો ફટકારીને સદી પૂરી કરી હતી. એણે 172 બોલનો સામનો કર્યો હતો અને કુલ 14 ચોગ્ગા ફટકાર્યા હતા.
9મી વિકેટ પડી ત્યારે કોહલી વ્યક્તિગત 97 રન સાથે દાવમાં હતો, પણ ઉમેશ યાદવે એને સાથ આપતાં કોહલી પોતાની શાનદાર સદી પૂરી કરી શક્યો હતો.
ઈંગ્લેન્ડના પહેલા દાવના 287 રનના જવાબમાં ભારતનો પહેલા દાવનો સ્કોર એ સમયે 9 વિકેટે 221 રન હતો.
ઈંગ્લેન્ડની ધરતી પર કોહલીની આ પહેલી જ ટેસ્ટ સદી છે. 2016ની સાલથી કોહલીની આ 11મી સદી છે.
ઈંગ્લેન્ડે 9 વિકેટે 285 રનનો તેનો ગઈ કાલનો અધૂરો દાવ આજે આગળ વધાર્યો હતો. વધુ બે રન થયા બાદ સેમ કરન (24) આઉટ થઈ ગયો હતો. એની વિકેટ ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ લીધી હતી. શમીની એ ત્રીજી વિકેટ હતી.
ભારતના દાવમાં પડેલી વિકેટો આ મુજબ છેઃ મુરલી વિજય (20), લોકેશ રાહુલ (4), શિખર ધવન (26), અજિંક્ય રહાણે (15), દિનેશ કાર્તિક (0), હાર્દિક પંડ્યા (22), રવિચંદ્રન અશ્વિન (10), મોહમ્મદ શમી (2), ઈશાંત શર્મા (5).