લખનૌઃ ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડાના દનકૌર પોલીસ મથક વિસ્તારમાં આવેલા દનકૌર વિસ્તારમાંથી એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. વાત એવી છે કે આ વિસ્તારમાં રહેતી એક મૃત્યુ પામેલી મહિલાના બેંક ખાતામાં અચાનક રૂ. 100135600000000000100235600000000299 (1 અબજ 13 લાખ 56,000 કરોડ રૂપિયા) જમા થયા છે.

આટલી મોટી રકમના સમાચાર મળતાં જ આખા ગામમાં હડકંપ મચી ગયો અને વિવિધ અટકળો શરૂ થઈ ગઈ. ઇન્કમ ટેક્સ વિભાગે પણ આ અસાધારણ ટ્રાન્ઝેક્શનની તપાસ શરૂ કરી છે અને વિભાગ જાણવા માગી રહ્યો છે કે આટલી મોટી રકમ કયા સ્ત્રોતથી અને કેવી રીતે જમા થઈ.
સ્થાનિક પોલીસને હજી સુધી આ ઘટનાની કોઈ સત્તાવાર જાણકારી મળી નથી. સ્ટેશન ઈન્ચાર્જ સુરેન્દ્રસિંહે જણાવ્યું હતું કે અમને આવા કોઈ મામલાની જાણ નથી. જો આવી કોઈ ઘટના બની છે તો તેની તપાસ કરાશે.
આ ઘટના અંગે ગામમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે અને લોકો આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે કે કેવી રીતે આટલી મોટી રકમ એક મૃતક મહિલાના ખાતામાં પહોંચી. મૃતકના પુત્ર દીપકે જણાવ્યું હતું કે તે UPI દ્વારા પેમેન્ટ કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પરંતુ ટ્રાન્ઝેક્શન ફેલ થઈ ગયું. ત્યાર બાદ જ્યારે તેણે ખાતાનું બેલેન્સ ચકાસ્યું ત્યારે આ અવિશ્વસનીય રકમ જોવા મળી.


