મલાડમાં યોજાયેલા મહિલા સશક્તિકરણ કાર્યક્રમની કેટલીક મહત્વની વાતો

મુંબઈ: મલાડમાં શ્રી એમ.ડી શાહ મહિલા કોલેજ ખાતે મહિલા સશક્તિકરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ડૉ. અસ્મિતા યાજ્ઞિક, ડૉ. ઉર્વશી પંડ્યા અને ડૉ કલ્પના દવેએ અલગ અલગ યુગનાં સાહિત્યમાં સ્ત્રી સશક્તિકરણ કેવી રીતે આલેખાયું એ વિષે વક્તવ્ય રજૂ કર્યું હતું. આ કાર્યક્રમનું આયોજન મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીએ કર્યું હતું અને સંચાલન લેખિની સંસ્થાનાં પ્રતિનિધિ જાગૃતિ ફડિયાએ કર્યું હતું.

‘સાહિત્ય સંદર્ભે સ્ત્રી સશક્તિકરણ’ વિષયનું વિચારબીજ નિરંજન પંડ્યાનું હતું. આ કાર્યક્રમમાં કવયિત્રી પ્રતિમા પંડ્યા, લેખિકા ગીતા ત્રિવેદી, મમતા પટેલ અને સ્મિતા શુક્લ હાજર રહ્યાં હતાં. કાર્યક્રમની શરૂઆતમાં મધ્યકાલીન યુગમાં સ્ત્રીઓનું મહત્વ અને એમની સાહિત્ય સંદર્ભે શું ભૂમિકા રહી એ વિષય પર ડૉ અસ્મિતા યાજ્ઞિકે જણાવ્યું કે મધ્યકાલીન યુગની જો વાત કરીએ તો સૌ પ્રથમ મીરાને યાદ કરવી પડે અને એમની અડગ નિર્ણય શક્તિને દાદ દેવી પડે. આ સિવાય એમણે ગંગાસતી અને તોરલનો ઉલ્લેખ પણ કર્યો હતો. તેમણે કહ્યું કે No means No નો કોન્સેપ્ટ આજે ચર્ચાય છે પણ તોરલે એ સમયમાં અમલમાં મૂકી બતાવ્યો હતો. લોયણ, જનીબાઈ, રાધાબાઈ, અમરબાઈ જેવાં અનેક ઉદાહરણો આપી એમણે સ્ત્રી સશક્તિકરણ વિષય પર ચર્ચા કરી હતી.

મધ્યકાલીન યુગ અને આધુનિક યુગને જોડતાં ગાંધીયુગ પર પોતાની આગવી અને જોશબંધ શૈલીમાં વક્તવ્ય આપતાં ડૉ કલ્પના દવેએ વક્તવ્યમાં કહ્યું કે સ્ત્રીને પોતાના જીવનને ‘ઉત્સવ’ બનાવતાં આવડવું જોઈએ, સાહિત્ય અને સમાજ સિક્કાની બે બાજુ છે, ગાંધીયુગનો સમય એ વૈચારિક દ્રષ્ટિએ સામૂહિક ક્રાંતિનો સમય હતો, કૌટુંબિક પ્રથામાં અટવાયેલી અને શિક્ષણનો અભાવ હોવા છતાં એ સમયે મહાત્મા ગાંધીએ બાળલગ્નનો વિરોધ, વિધવાની દયનીય સ્થિતિનો વિરોધ અને કન્યા કેળવણીને આપેલા સમર્થનને કારણે સ્ત્રી સશક્તિકરણ થયું. ડૉ કલ્પના દવેએ શ્રોતાઓને આવાહન આપતાં કહ્યું કે ગાંધીયુગમાં સ્ત્રી સશક્તિકરણ માટે પ્રજ્વલિત થયેલી મશાલ આપણે હંમેશા જલતી રાખવાની છે અને આ ક્ષેત્રે હંમેશા કાર્યરત રહેવાનું છે.

ડૉ ઉર્વશી પંડ્યા જેઓ UGC Research Award થી સન્માનિત થયાં છે તેમણે વ્યક્તવ્યમાં કહ્યું કે સ્ત્રી સશક્તિકરણ એ છેતરામણો શબ્દ છે. સ્ત્રી સશકત જ હતી, છે અને રહેશે બસ આપણે સ્ત્રી સ્વતંત્રતા અને સ્વચ્છંદતા વચ્ચેનો ભેદ સમજવો પડશે, દરેક સ્ત્રીમાં આંતરિક ઉર્જા રહેલી છે જે સુષુપ્ત અવસ્થામાં હોય છે એને જાગૃત કરવી પડે અને એનો જો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો સમાજનું સ્વરૂપ ચોક્કસપણે બદલી શકાય છે. નારીવાદ શબ્દ ઈ.સ. 1929થી અસ્તિત્વમાં આવ્યો. સ્ત્રી સશક્તિકરણની મુખ્ય ત્રણ શરતો છે, આર્થિક સ્વાવલંબન, ઉદાત્ત વૈચારિક ક્ષમતા અને પ્રબળ લાગણી. વર્ષા અડાલજા, ઈલા આરબ મહેતા, પન્ના નાયક , મનોજ્ઞા દેસાઈ જેવી લેખિકાઓએ પોતાની અનેક કૃતિઓ દ્વારા ભૃણ હત્યાથી લઈને દહેજ દૂષણ પર સવાલો ઉઠાવ્યા છે અને સ્ત્રી શિક્ષણ પર ભાર મૂક્યો છે.

સંચાલિકા જાગૃતિ ફડિયાએ સંચાલન દરમિયાન કોફીનું ઉદાહરણ આપતાં કહ્યું કે એને ગમે તેવાં ઉકળતાં પાણીમાં નાખો, એ પાણીમાં ઓગળીને વાતાવરણમાં સુગંધ ફેલાવે છે માટે વિપરીત પરિસ્થિતિમાં સ્ત્રીએ ભલે ઓગળવું પડે પણ જો એ ધારે તો પોતાના અસ્તિત્વની સુગંધ જરૂર ફેલાવી શકે‌.