રાજ્યનો બહુચર્ચિત ડમીકાંડમાં એકપછી એક આરોપીઓની ધરપકડ કરવામાં આવી રહી છે. અત્યારસુધી ડમીકાંડ મામલે 15 આરોપીઓ પકડાયા હતા. આજરોજ SIT દ્વારા ડમીકાંડ મામલે વધુ 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. ડમીકાંડમાં કુલ 36 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ હતી જેમાંથી અત્યાર સુધી આજના 2 આરોપીઓ સાથે કુલ ધરપકડનો આંકડો 17 એ પહોંચ્યો છે. મળતી માહિતી પ્રમાણે, ભાવનગરમાં રાજ્યનો સૌથી મોટા ડમી કાંડ મામલે SITની ટીમે તળાજાના રહેવાસી કૌશીકભાઇ મહાશંકરભાઇ જાની અને રાજુભાઇ ઉર્ફે રાજ ગીગાભાઇ ભાલીયાની ધરપકડ કરી છે. ડમી કાંડમાં 36 વિરુદ્ધ નોંધાયેલી FIR પૈકીના આ પકડાયેલ બન્ને આરોપી છે. ડમીકાંડ મામલે SIT ટીમ દ્વારા અત્યાર સુધીમાં 36 માંથી 17 આરોપીઓની ધરપકડ કરી ચૂકી છે, જ્યારે હજુ પણ ડમીકાંડના 19 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે.
ઉલ્લેખનીય છે કે ડમીકાંડ જે રીતે સામે આવ્યો તે બાદ બિપિન ત્રિવેદીનો એક વિડીયો વાયરલ થયો હતો જે બાદ યુવરાજસિંહ જાડેજા પર તોડકાંડનો આરોપ લાગ્યો હતો. તોડકાંડમાં યુવરાજસિંહ જાડેજા પર ડમીકાંડમાં નામ ન લેવા માટે 1 કરોડ રૂપિયા લીધા હોવાનો આરોપ લાગ્યો હતો અને હાલ યુવરાજસિંહ અને તેના સાથીદારો તોડકાંડ મામલે જેલ હવાલે છે. એકતરફ પોલીસ દ્વારા તોડકાંડ મામલે એકદમ ઝડપી કાર્યવાહી કરી તમામ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા ત્યારે બીજી તરફ ડમીકાંડના હજુ પણ 36 માંથી 19 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે ત્યારે તેણે લઈને પણ અનેક સવાલો પોલીસ પર થઈ રહ્યા છે. હવે સમગ્ર ડમીકાંડ અને તોડકાંડમાં આગળ શું કાર્યવાહી થાય છે તેના પર સમગ્ર ગુજરાતની નજર છે, કારણકે ડમીકાંડમાં હજુ પણ ઘણા નામ ખૂલવાની શક્યતાઓ છે.