અંબાલાલ પટેલે ગરમીના પ્રકોપ વચ્ચે આંધી-તોફાનની કરી આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યના હવામાનને લઈને ફરી એક વાર મહત્વની આગાહી કરવામા આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ રાજ્યમાં હજુ પણ ગરમીનો પ્રકોપ વધશે અને 12મેથી રાજ્યમાં 44 ડિગ્રી સુધી તાપમાન પહોંચવાની શક્યતા રહેલી છે.તેમજ આજથી આંધી અને વંટોળનુ પ્રમાણ વધશે તેમ પણ જણાવવામા આવ્યું છે.

રાજ્યમા કમોસમી વરસાદ બાદ આગ ઝરતી ગરમી પડવાની શરુઆત થઈ ગઈ છે. લોકો અસહ્ય ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હવામાન વિભાગ દ્વારા આજથી આગામી 4 દિવસ સુધી ભુક્કા કાઢી નાખે તેવી ગરમી પડવાની આગાહી કરવામા આવી છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ગરમીને લઈને આગાહી કરી છે. જેમાં તેઓએ 12 મેથી રાજ્યમાં ગરમી વધવાની શક્યતા વ્યક્ત કરી છે. તેમજ ગુજરાતના કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્યગુજરાતમાં આંધી-વંટોળની આગાહી પણ કરી છે. અને 18 મે સુધીમાં રાજ્યમાં ભારે ગરમી પડવાની આગાહી કરી છે.

અંબાલાલ પટેલે આકરી ગરમીની વચ્ચે ફરી એકવાર કમોસમી વરસાદની પણ આગાહી કરી છે. આગામી 22 મેથી 24 મે સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની પણ આગાહી કરવામા આવી છે. અને  આજથી આંધી અને વંટોળનુ પ્રમાણ  વધવાની શક્યતા વ્યક્ત કરવામા આવી છે. ત્યારે  આંધી વંટોળના કારણે બાગાયતી પાકને નુકસાન થવાની સંભાવના વધુ છે. અંબાલાલ પટેલે જણાવ્યુ હતુ કે મે મહિનામાં પણ વાતાવરણ ફેરફાર થયા કરશે અને એક ધારી ગરમી રહેશે નહીં. તાપમાનમાં ઉત્તર ચડાવ રહેશે તેમજ 28 મે થી 10 જૂન અરબ સાગરમાં ચક્રાવાત ઉભુ થશે.