ગુજરાતમાં તહેવારોની શરૂઆત પહેલા સિંગતેલના ભાવ ઘટ્યા છે. જેમાં સિંગતેલના ભાવમાં કડાકો બોલ્યો છે. તેમાં ડબ્બો રૂ.3,000ની અંદર એટલે કે ભાવ રૂ.2,950 થયો છે. મગફળીમાં સારી આવક થતા હજુ પણ ભાવમાં ઘટાડાની શક્યતા છે. એકસમયે રૂપિયા 3100 આસપાસ રહેલા ડબ્બાનો ભાવ હાલ રૂ.3 હજારની અંદર છે.
મગફળીનો પાક બજારમાં આવતા સિંગતેલના ભાવમાં ઘટ્યા
મગફળીનો પાક બજારમાં આવતા સિંગતેલના ભાવમાં ઘટ્યા છે. ચાલુ વર્ષે જયારે જરૂર હતી ત્યારે જ વરસાદ પડતા પડતા મગફળીનો ચિકકાર પાક થયો છે અને હવે તૈયાર મગફળીનો પાક બજારમાં આવવા લાગતા સિંગતેલના ભાવમાં કડકા બોલવા લાગ્યા છે અને એકસમયે 3100 આસપાસ રહેલા ડબ્બાનો ભાવ હાલ રૂ.3 હજારની અંદર આવી જઈ રૂ.2950 થઈ ગયો છે. જથ્થાબંધ હોલસેલ કરિયાણાના વેપારીના જણાવ્યા મુજબ એક તબક્કે વરસાદની ખાધ ઉભી થઈ હતી અને વરસાદ ખેચાવાને કારણે મગફળીના ઉત્પાદન પર અસર પડશે તેમ ચર્ચાઈ રહ્યું હતું. પણ તેવા સમયે જ મેઘરાજાએ મહેર કરતા આ વર્ષે મગફળીનું બમ્પર ઉત્પાદન થવાની ધારણા કરવામાં આવી રહી છે. અને તેની અસર સિંગતેલના ભાવ પર અત્યારથી જ પડવા લાગી છે.
પહેલા સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ.3100 આસપાસ થઈ ગયો હતો
થોડાસમય પહેલા સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ.3100 આસપાસ થઈ ગયો હતો. પણ થોડાસમયથી યાર્ડમાં મગફળીનો તૈયાર પાક આવવા લાગતા સિંગતેલના ભાવ ઘટવા માંડયા છે અને ડબ્બાનો ભાવ રૂ.2980 હતો તે ઘટીને આજે રૂ.2950 થઈ ગયો છે એટલે કે એક જ દિવસમાં રૂ.30નો ઘટાડો થયો છે. વધુમાં જણાવ્યા મુજબ હજુ પણ મગફળીની આવક વધતી જશે તેમ-તેમ ભાવ ઘટતા જવાની શકયતા તેમના દ્વારા વ્યકત કરવામા આવી હતી. સામે કપાસિયા તેલના ભાવ સ્થિર રહેલ છે. કેમકે સિંગતેલ સસ્તુ થતું જતું હોવાને કારણે લોકો સિંગતેલ તરફ વળી રહ્યા છે. તેથી ખરીદી પણ નીકળવાની આશા જણાઈ રહી છે.