બૉલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન ઘાયલ થયાના સમાચાર છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે શાહરૂખ ‘કિંગ’ના સેટ પર એક એક્શન સીન દરમિયાન ઘાયલ થયા છે. આ કારણે તે શૂટિંગમાંથી બ્રેક લઈ રહ્યા છે. ડૉક્ટરોએ તેમને એક મહિના આરામ કરવાની પણ સલાહ આપી છે. જોકે, શાહરૂખ ખાનની ટીમે હજુ સુધી આવી કોઈ ઘટના અંગે કોઈ સત્તાવાર માહિતી આપી નથી.
બૉલિવૂડ હંગામાના અહેવાલ મુજબ શાહરૂખ ખાનને મુંબઈના એક ફિલ્મ સ્ટુડિયોમાં એક્શન સિક્વન્સનું શૂટિંગ કરતી વખતે આ ઈજા થઈ હતી. શાહરૂખ ‘કિંગ’માં તેની પુત્રી સુહાના ખાન સાથે જોવા મળશે. એવું કહેવાય છે કે શૂટિંગ દરમિયાન સુપરસ્ટારને કથિત રીતે સ્નાયુમાં ઈજા થઈ હતી.
જોકે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ ઈજા બહુ ‘ગંભીર’ નથી, પરંતુ સ્નાયુઓમાં ખેંચાણને કારણે ડૉકટરોએ શાહરૂખને એક મહિના માટે આરામ કરવાની સલાહ આપી છે. રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે ઈજાને કારણે શાહરૂખ તેની ટીમ સાથે જરૂરી સારવાર માટે અમેરિકા ગયો છે. આ કારણે’કિંગ’નું શૂટિંગ હાલ પૂરતું બંધ કરી દેવામાં આવ્યું છે. જુલાઈ અને ઓગસ્ટ વચ્ચેનું શૂટિંગ શેડ્યૂલ મુલતવી રાખવામાં આવ્યું છે. હવે આગામી શેડ્યૂલ સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરમાં શરૂ થશે.
આ વર્ષની શરૂઆતમાં શાહરૂખ ખાન જયપુરમાં એક કાર્યક્રમ દરમિયાન કોલર નીચે કાળી ટેપ પહેરેલા જોવા મળ્યા હતા.એવું અનુમાન કરવામાં આવ્યું હતું કે એક્શન થ્રિલર ‘કિંગ’ના શૂટિંગ દરમિયાન તેને ઈજા થઈ હશે.
‘જવાન’ અને ‘પઠાણ’ ની બ્લોકબસ્ટર સફળતા પછી ‘કિંગ’ હવે શાહરૂખ ખાનની સૌથી મહત્વાકાંક્ષી ફિલ્મોમાંની એક છે. તેનું દિગ્દર્શન સિદ્ધાર્થ આનંદ કરી રહ્યા છે, જેમણે ‘પઠાણ’ અને ‘વોર’ ફિલ્મો બનાવી છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાનની પુત્રી સુહાના પણ તેના પિતા સાથે જોવા મળશે.સુહાનાએ ફિલ્મ ‘ધ આર્ચીઝ’ થી ડિજિટલ ડેબ્યૂ કર્યું હતું. આવી સ્થિતિમાં ‘કિંગ’ થિયેટરમાં તેની પહેલી ફિલ્મ હશે. તાજેતરમાં એવી ચર્ચા થઈ છે કે આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ, રાની મુખર્જી, અભિષેક બચ્ચન, જયદીપ અહલાવત, અનિલ કપૂર, અરશદ વારસી અને જેકી શ્રોફ પણ છે.
