આયાતોલ્લા ખોમિનીના વારસ તરીકે પુત્ર મોજતબાની પસંદગી

તહેરાનઃ આયાતોલ્લા ખોમિનીના પુત્ર મોજતબા ખોમિનીને તેમના પિતાના વારસ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તેઓ ઈરાનના આગામી સુપ્રીમ લીડર તરીકે પદ સંભાળશે એવી માહિતી ઇઝરાયેલી મિડિયા રિપોર્ટ્સમાં આપવામાં આવી છે. સિનિયર ઇઝરાયેલી અધિકારીઓએ જણાવ્યું હતું કે આવનારા થોડા કલાકોમાં એસેમ્બલી મોજતબા ખોમિનીને સત્તાવાર રીતે વારસ જાહેર કરી શકે છે. જોકે ઈરાનના સત્તાવાર સરકારી મિડિયાએ હજી સુધી આ ડેવલપમેન્ટ અંગે કોઈ સ્વતંત્ર પુષ્ટિ કરી નથી. મોજતબા ખોમિની ખોમિનીના બીજા સૌથી મોટા પુત્ર છે.

 કોણ છે ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા?

મોજતબા ખોમિની આયાતુલ્લા ખોમિનીના બીજા નંબરના મોટા પુત્ર છે. કહેવાય છે કે તેઓ પોતાના પિતાના નિધન પછી તેમના કાર્યાલયનું કામકાજ સંભાળી રહ્યા હતા. ઈરાનની સેનાના ટોચના અધિકારીઓ સાથે તેમના સારા સંબંધો હોવાનું પણ માનવામાં આવે છે.

ઇઝરાયેલી મિડિયા અનુસાર મોજતબા પોતાના પિતા કરતાં વધુ કડક માનવામાં આવે છે અને ઈરાનમાં પ્રદર્શનકારીઓ સામે કરવામાં આવેલી કડક કાર્યવાહી પાછળ પણ તેમની ભૂમિકા હોવાનું કહેવાય છે. નવેમ્બર, 2019માં અમેરિકાના ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે મોજતબા પર પ્રતિબંધ લગાવ્યો હતો. તે સમયે તેમને સુપ્રીમ લીડરના સત્તાવાર પ્રતિનિધિ તરીકે કામ કરવા બદલ નિશાન બનાવવામાં આવ્યા હતા. જોકે તેઓ ક્યારેય ચૂંટણી દ્વારા પસંદ થયા નથી કે કોઈ સત્તાવાર સરકારી પદ પર નિયુક્ત થયા નથી.

ઈરાનના સ્વર્ગસ્થ સુપ્રીમ લીડર આયાતોલ્લા સૈય્યદ અલી ખોમિનીના પ્રતિનિધિ ડો. અબ્દુલ મજીદ હકીમ ઇલાહીએ જણાવ્યું હતું કે અમેરિકાનું નિશાન માત્ર ઈરાન નથી, પરંતુ ઈરાન પછી અન્ય દેશોને પણ તે નિશાન બનાવી શકે છે.