કાંદિવલીમાં રવિવારે યોજાશે સચ્ચિદાનંદ સન્માન અર્પણ સમારોહ

મુંબઈ: ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ દ્વારા પરિષદ પ્રમુખ હર્ષદ ત્રિવેદીની અધ્યક્ષતામાં સુપ્રસિદ્ધ સાહિત્યકારો વર્ષા અડાલજા, દિનકર જોશી તથા ઈલા આરબ મહેતાને સચ્ચિદાનંદ સન્માન અર્પણ કરવાનો સમારોહ યોજવામાં આવ્યો છે. મુંબઈમાં આ કાર્યક્રમ આયોજિત કરવા માટે કાંદિવલી એજ્યુકેશન સોસાયટી, મુંબઈ સંચાલિત ગુજરાતી ભાષાભવનનો સહયોગ પ્રાપ્ત થયો છે. કાર્યક્રમ રવિવાર, 23 ફેબ્રુઆરી 2025ના રોજ સવારે 10:30 વાગે KES ઇન્ટરનેશનલ સ્કૂલ, બીજે માળે, હેમુકાલાની ક્રોસરોડ નંબર ૩, ઈરાનીવાડી, કાંદિવલી (વેસ્ટ) ખાતે સવારે 10:30 વાગે રાખવામાં આવ્યો છે. કાંદિવલી એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ મહેશભાઈ  શાહ પ્રાસંગિક ઉદબોધન કરીને કાર્યક્રમનો આરંભ કરશે.થોડા સમય પૂર્વે ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ દ્વારા ગુજરાતી ભાષાના સાત સાહિત્યકારોને સચ્ચિદાનંદ સન્માનથી પુરુસ્કૃત કરવાના નામો જાહેર થયા હતા અને તેનો કાર્યક્રમ અમદાવાદ ખાતે આયોજિત થયો હતો. તેમાં ત્રણ સાહિત્યકારો મુંબઈના હતા અને તેઓ વય અને સ્વાસ્થ્યને કારણે ત્યાં સુધી પ્રવાસ કરી શકે તેમ નહોતા તેથી ગુજરાતી સાહિત્ય પરિષદે આ કાર્યક્રમનું મુંબઈ ખાતે આયોજન કરવાનું નક્કી કર્યું. સંસ્થા પોતે સાહિત્યકારો પાસે આવે છે ત્યારે સાહિત્યકારોનું ગૌરવ વધે તો છે જ પણ સાથે એક ઉત્તમ ઉદાહરણ પણ પ્રસ્થાપિત થાય છે.

સચ્ચિદાનંદ સન્માન પ્રાપ્ત કરનાર સર્જકોનો પરિચય પ્રીતિ જરીવાલા, દિનેશ પોપટ, સેજલ શાહ આપશે. ત્યારબાદ ત્રણેય સર્જકો વર્ષા અડાલજા, દિનકર જોષી અને ઇલા આરબ મહેતા પોતાનો પ્રતિભાવ અને સર્જન યાત્રા વિષે વાત કરશે. અધ્યક્ષીય ઉદ્દબોધન ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ હર્ષદ ત્રિવેદીનું રહેશે. સંચાલન ડો. સેજલ શાહ કરશે.