મહારાષ્ટ્ર ચૂંટણીઃ બહુજન વિકાસ આઘાડીએ ભાજપના આ નેતા પર લગાવ્યા મોટા આરોપ!

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનું રણશિંગુ 15 ઑક્ટોબરે ફૂંકવામાં આવ્યું હતું અને પસાર થતા પ્રત્યેક દિવસ સાથે પ્રચાર વધુને વધુ વેગીલો બની રહ્યો છે. ત્યારે ચૂંટણીને લઈને વસઈ વિરારમાં ભારે હંગામો થયો છે. અહીં બહુજન વિકાસ આઘાડીએ બીજેપી નેતા વિનોદ તાવડે પર પૈસાની વહેંચણીનો આરોપ લગાવ્યો છે. જો કે વિનોદ તાવડેએ આ આરોપોને નકારી કાઢ્યા છે.

દરમિયાન શિવસેના યુબીટી નેતા પ્રિયંકા ચતુર્વેદીની પ્રતિક્રિયા આવી છે. તેમણે કહ્યું કે ભાજપ માત્ર મની પાવરના પ્રભાવથી ચૂંટણી જીતવાનો પ્રયાસ કરી રહી છે. ચૂંટણી પંચે જે કામ કરવું જોઈતું હતું તે જનતા કરી રહી છે.

વધુમાં ઉમેર્યુ કે ચૂંટણી પંચે આ મામલાની નોંધ લેવી જોઈએ. ચૂંટણી પંચમાંથી અમારો ભરોસો તૂટી ગયો છે. અમારા નેતાઓની બેગ રાત-દિવસ તપાસવામાં આવી પરંતુ કંઈ મળ્યું નહીં. જ્યારે બીજેપી નેતા વિનોદ તાવડેની બેગની તપાસ કરવામાં આવી નથી, તેઓ તેને કેવી રીતે વહેંચી રહ્યા છે.

કાર તપાસવાની માંગ

બહુજન વિકાસ આઘાડીના નેતાઓએ ભાજપના નેતા વિનોદ તાવડેના વાહનની તપાસની માંગ કરી છે. મતદાનના એક દિવસ પહેલા બનેલી આ ઘટનાએ રાજકીય વર્તુળોમાં હલચલ મચાવી દીધી છે. આ મામલે વિપક્ષ ભાજપને ઘેરવામાં વ્યસ્ત છે. ઉલ્લેખનીય છે કે આવતીકાલે મહારાષ્ટ્રની તમામ 288 સીટો પર મતદાન થવાનું છે.

મુખ્યમંત્રીના ચહેરાને લઈને તાવડેનું મોટું નિવેદન

થોડા દિવસો પહેલા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદને લઈને બીજેપી નેતા વિનોદ તાવડેનું મોટું નિવેદન સામે આવ્યું હતું. તેમણે કહ્યું કે ચૂંટણી પછી મુખ્યમંત્રી પદ અંગે ચર્ચા કરવામાં આવશે. મહાયુતિમાં સંખ્યાબળના આધારે મુખ્યમંત્રી નક્કી કરવાનો પ્રશ્ન જ નથી. મહારાષ્ટ્રના હિતને ધ્યાનમાં રાખીને તેમને મુખ્યમંત્રી બનાવવામાં આવશે. મુખ્યમંત્રી માટે આશ્ચર્યજનક નામ હોઈ શકે છે. તાવડેએ એવો પણ દાવો કર્યો હતો કે મહાગઠબંધન 155-160 સુધી પહોંચી જશે અને અમે સરકાર બનાવીશું. તેમણે કહ્યું કે ભાજપ એકલા હાથે 95-105 બેઠકો જીતવામાં સફળ રહેશે.