નવી દિલ્હી: વિરાસત અને વિકાસ” શીર્ષક હેઠળ ગુજરાત રાજ્ય દ્વારા 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં એક અનોખી ઝાંખીની રજૂઆત કરવામાં આવી રહી છે. જેમાં ન માત્ર રાજ્ય પરંતુ રાષ્ટ્રની સાંસ્કૃતિક ધરોહરને રજૂ કરવામાં આવી રહી છે. ગુજરાતની ઝાંખીમાં ૧૨મી સદીના વડનગર એટલે કે આનર્તપુરના સોલંકી કાળના ‘કીર્તિ તોરણ’થી લઈને ૨૧મી સદીની અજાયબી સ્વરૂપ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના સાંસ્કૃતિક વારસાને રજૂ કરવામાં આવ્યો છે. સાથે જ સંરક્ષણ, ટેકનોલોજી, ઓટોમોબાઇલ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે રાજ્યની ‘આત્મનિર્ભરતા’’ના વિવિધ વિકાસના પ્રકલ્પોને રજૂ કરવામાં આવ્યા છે.
ગુજરાતની ઝાંખીમાં પ્રારંભે ‘યુનેસ્કો’ની હેરિટેજ સાઈટમાં સામેલ સોલંકીકાળનું વડનગર સ્થિત ૧૨મી સદીનું રાજ્યના સાંસ્કૃતિક પ્રવેશદ્વાર સમું ‘કિર્તી તોરણ’ છે. તો બીજી તરફ છેડાના ભાગે ૨૧મી સદીની શાન સમાન ૧૮૨ મીટરની ઊંચાઈ ધરાવતી સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ને દર્શાવવામાં આવી છે.