અમદાવાદ: શહેરની વચ્ચોવચ્ચ તમને એક એવું શાળાનું કેમ્પસ મળે, જેમાં 28 એકરમાં જ્યાં જુઓ ત્યાં બસ લીલોતરી જ જોવા મળે. કેમ્પસમાં પ્રવેશતાની સાથે જ તમે એક અલગ દુનિયામાં પહોંચી ગયા હો તેવી અનુભૂતિ થાય. બેગ્રાઉન્ડમાં મોરના ટહુકા અને અનેક પક્ષીઓનો કલરવ સાંભળવા મળે.
હવે આવા સુંદર વાતાવરણમાં બેસીને તમને તમારું મનગમતું પુસ્તક વાંચવા મળે તો?સાયન્ટિસ્ટ ડૉ.વિક્રમ સારાભાઈના બહેન લીનાબેન સારાભાઈએ સ્થાપેલા શ્રેયસ ફાઉન્ડેશનના કેમ્પસમાં ગાંધી, ટાગોર અને મોન્ટેસરી વિચારો અને તેમની પદ્ધતિઓ દરેક ખૂણે જોવા મળે છે. આ જ શ્રેયસ ફાઉન્ડેશનમાં હવે ‘વાંચીએ-વિસ્તરીએ ‘ઈનિશિએટિવનો પ્રારંભ થયો છે. વિદ્યાર્થીઓ તેમજ વાલીઓમાં સ્ક્રીનટાઈમ ઘટે અને વાંચનની આદત કેળવાય તે માટે આ પહેલ શરૂ કરવામાં આવી છે.
આ પહેલમાં બાળકો અને વાલીઓ દર શનિવારે પરિસરમાં વટગૃહ, ટ્રીહાઉસ, તલાવડી, ચબૂતરા પાસે, શાંત શ્રીરંગમ એમ્ફિથિયેટર, શીતળ છાંયાવાળો વડલો અને શ્રેયોભારતી ગ્રંથાલયમાં બેસી વાંચી શકે છે. સ્કૂલનાં શ્રેયોભારતી પુસ્તકાલયમાંથી પુસ્તકો વાંચવા માટે લઈ શકાય છે અને કેમ્પસમાં બેસીને વાંચવાનો નવતર અનુભવ મેળવી શકાય છે. સંતાનો સાથે પેરેન્ટ્સની સહભાગીતા સાથે સમગ્ર પરિવારમાં રીડિંગ હેબિટ કેળવાય તે માટે આ પ્રયાસ કરાયો છે.
શ્રેયસ પરિવારના વિદ્યાર્થીઓ, કાર્યકરો, વાલીગણ અને પૂર્વ વિદ્યાર્થીઓ માટે વાંચનની આદત વિકસે તે માટે આ પહેલ શરૂ કરવામાં આવી છે. શ્રેયસમાં હવે તેઓ દર શનિવારે સવારે ૮.૩૦ થી ૨.૩૦ સુધીમાં ગમે ત્યારે એક કલાક મનગમતી જગ્યાએ વાંચન કરી શકશે. જે ઓપન ફોર ઓલ રહેશે. અહીં દરેકને આવકાર છે કે, આવે અને એક પુસ્તક ઉઠાવે અને પોતાની અંદર ઉતારે.
શ્રેયસ ફાઉન્ડેશનના સચિવ યોગેશ થાનકી જણાવે છે કે, “શ્રેયસ ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી, અભય મંગલદાસ આ અભિયાન ‘વાંચીએ-વિસ્તરીએ’ ના પ્રેરકબળ છે. શ્રેયોભારતી ગ્રંથાલયનો પ્રયાસ છે કે શહેરમાં રીડિંગ કલ્ચર ડેવલપ થાય. જેના માટે કેમ્પસને વાંચન પ્રેમી માટે ખુલ્લુ મૂક્યું છે. અમે આ નવતર પ્રયોગ 1લી માર્ચ, 2025થી શરૂ કર્યો છે. જેમાં પ્રથમ શનિવારે 20 વિદ્યાર્થી અને 5 વાલી તેમજ કેમ્પસના કેટલાંક કાર્યકરો જોડાયા હતા. ધીમે-ધીમે લોકો વધતા ગયા. લાસ્ટ શનિવારે 175 લોકો આ પ્રયોગમાં અમારી સાથે જોડાયા હતાં. અમે ગાંધીજીનાં નવજીવનમાં રવિવારે રીડિંગ ક્લબ પરથી પ્રેરિત થઈ આ પ્રકલ્પ શરૂ કર્યો છે. તેને વધુમાં-વધુ લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.”
View this post on Instagram
આજે જ્યારે બધું ઝડપથી બદલાઈ રહેલું છે, ત્યારે શ્રેયસના આ લીલાછમ પરિસરમાં વાંચનની મૌન પળો સંવેદનાનું સંગીત વગાડે છે. અહીં મોકળા મને બેસીને તમે તમારું મનગમતું પુસ્તક વાંચો છે, ત્યારે તે પુસ્તકનો એકે-એક શબ્દ ન માત્ર તમારી સ્મૃતિમાં પરંતુ તમારા ઝહનમાં ઉતરી જાય છે.
(રાધિકા રાઓલ – અમદાવાદ)
