અમદાવાદ : શહેરનો કાલુપુર ચોખા બજાર, તેલ બજાર, શાક માર્કેટ, કાપડ માર્કેટ અને હવે મોબાઈલ માર્કેટ સહિત અનેક વેપારમાં રાજસ્થાન મૂળના લોકોનો સતત વધારો થઈ રહ્યો છે. એમાંય દરિયાપુર દરવાજા પાસેના ચાર રસ્તાથી માધુપુરા માર્કેટ તરફના માર્ગ પર મારવાડ, રાજસ્થાનની સંસ્કૃતિ ઉડીને આંખે વળગે. જે લોકોના પહેરવેશ, તહેવાર ઉત્સવ, વેપારની સામગ્રીમાં દેખાય. હાલમાં ભાદરવા સુદ એકમ બુધવારથી રામાપીરના નોરતાંનો પ્રારંભ થયો છે.
રામાપીર રાજસ્થાનના એક લોક દેવતા માનવામાં આવે છે. રાજસ્થાન બાડમેર સહિત ગુજરાત અને અન્ય સ્થળોએ પણ રણુજાના આ પીર સંત સમાજ સુધારકને માનનારો મોટો વર્ગ છે.
રામદેવ પીરની નવરાત્રિ દરમિયાન એમના સ્થાનકો પર ધજા, ઘોડા ચઢાવવામાં આવે છે. અમદાવાદ શહેરમાં નવતાડ મિરઝાપુર રોડ નજીક આવેલા રામદેવ પીરના મંદિરે નવરાત્રિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. આ સાથે શહેરના જુદા જુદા રામદેવ પીરના મંદિરો પર શ્રધ્ધાળુઓ રંગબેરંગી ધજાઓ ચઢાવે છે.
શહેરના માધુપુરા વિસ્તારમાં આ સમયગાળામાં માર્ગો પર અને દુકાનોમાં રામદેવ પીરને ચઢાવવા માટે નાની મોટી સાઈઝના ઘોડા બની રહ્યા છે. મોટી સંખ્યામાં પરિવારો માધુપુરાના રોડ પર જ ઘોડા બનાવતા અને વેચતા જોવા મળી રહ્યા છે. શહેરના આ માર્ગ પર સંસ્કૃતિ, ધાર્મિક પરંપરાની ચીજવસ્તુઓથી એક અનોખું વાતાવરણ ઉભુ થયું છે. રંગબેરંગી ઘોડા અને સવાર આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)