શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં સ્ટેટ ઇન્વેસ્ટિગેશન એજન્સી (SIA)ની ટીમે જેલમાં બંધ JKLF પ્રમુખ યાસીન મલિકના નિવાસસ્થાન સહિત શ્રીનગરનાં આઠ સ્થળોએ દરોડા પાડ્યા છે. આ દરોડા કાશ્મીરી પંડિત મહિલા હત્યા કાંડના સંદર્ભમાં પાડી રહ્યા છે.
આ દરોડા એપ્રિલ, 1990માં એક કાશ્મીરી પંડિત મહિલાના અપહરણ અને હત્યાના કેસ સાથે જોડાયેલા છે.
પ્રાપ્ત માહિતી મુજબ અનંતનાગની 27 વર્ષીય કશ્મીરી પંડિત મહિલા નર્સની એપ્રિલ 1990માં, કાશ્મીરમાં ઉગ્રવાદીઓએ નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. તે શ્રીનગરના સૌરા સ્થિત શેર-એ-કાશ્મીર આયુર્વિદ્યાન સંસ્થાન (SKIMS)માં કાર્યરત હતી. 14 એપ્રિલ 1990એ જમ્મુ અને કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (JKLF) સાથે સંકળાયેલા આતંકવાદીઓએ સંસ્થાનના હબ્બા ખાતુન હોસ્ટેલમાંથી તેનું અપહરણ કર્યું હતું.
ઘણા દિવસો સુધી કાશ્મીરી પંડિત મહિલા નર્સ સાથે સામૂહિક બળાત્કાર અને યાતનાઓ આપવામાં આવી હતી. 19 એપ્રિલ 1990એ શ્રીનગરના મલ્લાબાગ સ્થિત ઉમર કોલોનીમાં ગોળીઓના નિશાન સાથે તેનું ક્ષતવિક્ષત મૃતદેહ મળી આવ્યો હતો.
મૃત મહિલાના શરીર પાસે એક નોટ મળી આવી હતી, જેમાં તેને પોલીસના ગુપ્તચર તરીકે બતાવવામાં આવી હતી. આ આરોપ તેમના પર કાશ્મીરી પંડિતોને ખીણ (ઘાટી) છોડવા અથવા સરકારી નોકરી છોડવા માટેના ઉગ્રવાદી આદેશોની અવગણના કરવા બદલ લગાવવામાં આવ્યો હતો.
પોલીસ સ્ટેશનમાં એક FIR (નં. 56/1990) નોંધવામાં આવી હતી, વર્ષ 2023માં આ કેસ જમ્મુ અને કાશ્મીરની રાજ્ય તપાસ એજન્સી (SIA)ને સોંપવામાં આવ્યો હતો. SIAએ શ્રીનગરમાં આઠ સ્થળોએ દરોડા પાડ્યા, જેમાં JKLF નેતા યાસિન મલિકનું ઘર પણ સામેલ હતું. આ દરોડામાં કાશ્મીરી પંડિત મહિલા સરલા ભટ્ટની હત્યા માટે જવાબદાર લોકોની ઓળખ કરવામાં મદદરૂપ એવા મહત્વપૂર્ણ દસ્તાવેજો અને ડિજિટલ ડેટા જપ્ત કરવામાં આવ્યા હતા.
