‘તેમના મોઢામાંથી દારૂની ગંધ આવતી હતી’, રાહુલ ગાંધીનો પંજાબના CM પર મોટો પ્રહાર

પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પંજાબના પ્રવાસે પહોંચ્યા છે. સંગરૂરમાં આયોજિત ‘ઈન્સાફ રેલી’ દરમિયાન તેમણે રાજ્યની કાયદો અને વ્યવસ્થા, વ્યાપક બનેલી ડ્રગ્સની સમસ્યા તેમજ કેન્દ્ર સરકાર પર તીખા પ્રહારો કર્યા હતા. આ દરમિયાન તેમણે પંજાબમાં નશાની ગંભીર સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને મુખ્યમંત્રી ભગવંત માન પર સીધા આરોપો લગાવ્યા હતા. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે જ્યારે તેમણે 1 વર્ષ પહેલાં પંજાબમાં ડ્રગ્સનું પ્રમાણ વધી રહ્યું હોવાની વાત કરી હતી, ત્યારે અનેક રાજકીય પક્ષોએ એવો દાવો કર્યો હતો કે તેમને પંજાબની પરિસ્થિતિ વિશે કોઈ સમજ નથી. તેમણે ભારપૂર્વક કહ્યું કે પંજાબમાં ઉદ્યોગો અને પાયાની સુવિધાઓનો વિકાસ થવો ખૂબ જ જરૂરી છે, નહીંતર ડ્રગ્સ અને ગેંગસ્ટરવાદ જ ફૂલશે-ફાલશે. આજે રાજ્યમાં સિન્થેટિક ડ્રગ્સ સૌથી મોટો આંતરિક મુદ્દો બની ચૂક્યો છે.

આમ આદમી પાર્ટીની સરકાર સામે સવાલો ઊભા કરતાં તેમણે ઉમેર્યું કે ‘આપ’ સરકારે રાજ્યમાંથી ડ્રગ્સ સંપૂર્ણપણે નાબૂદ કરવાનું વચન આપ્યું હતું, પરંતુ તેઓ આ વચન પૂરું કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા છે. મુખ્યમંત્રી ભગવંત માન પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, “જ્યારે તેઓ લોકસભામાં મારી પાસે બેસતા હતા ત્યારે રમુજી વાતો અને ટુચકાઓ સંભળાવતા હતા. સવારે 11 વાગ્યે પણ તેમના મોંમાંથી દારૂની દુર્ગંધ આવતી હતી.” તેમણે વધુમાં ઉમેર્યું કે દારૂ પીવો એ કોઈનો વ્યક્તિગત વિષય હોઈ શકે છે, પરંતુ જો તમારે ‘નશા’ સામે લડવું હોય, તો તમારો મુખ્યમંત્રી પોતે દર સાંજે નશો કરી શકે નહીં. પંજાબને આજે એવા મુખ્યામંત્રીની જરૂર છે જે અહીંના લોકોનું દર્દ સમજી શકે.

 

અમિત શાહ અને પીએમ મોદી પર પણ પ્રહારો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે અમિત શાહ 3 વર્ષમાં ડ્રગ્સ નાબૂદ કરવાનો દાવો કરે છે, પરંતુ ત્યાં સુધીમાં તો તેઓ ગૃહમંત્રી રહેશે નહીં, કારણ કે આ સરકાર 1 વર્ષની અંદર જ જતી રહેશે. આ સાથે જ તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે અદાણીના પોર્ટ પરથી જે ડ્રગ્સ ઝડપાયું હતું તેનું શું થયું? વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે પીએમ દાવો કરે છે કે કોંગ્રેસ દેશદ્રોહી છે. રાહુલ ગાંધીએ પીએમને કોઈપણ મંચ પર જાહેરમાં ચર્ચા કરવાની પડકાર આપતા કહ્યું કે, હું માત્ર 5 મિનિટમાં જ સાબિત કરી દઈશ કે મોદી રાષ્ટ્રવિરોધી છે અને તેઓ ડોનાલ્ડ ટ્રમ્પના નિયંત્રણ હેઠળ કામ કરી રહ્યા છે.

દિવંગત ગાયક સિદ્ધુ મુસેવાલાને યાદ કર્યા

પોતાના સંબોધનમાં રાહુલ ગાંધીએ દિવંગત ગાયક સિદ્ધુ મુસેવાલાના પિતા સાથે થયેલી મુલાકાતનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું, “મેં મારા ભાષણ માટે એક અલગ યોજના બનાવી હતી. પરંતુ ત્યારબાદ સિદ્ધુ મુસેવાલાના પિતા મને મળવા આવ્યા અને તેમની મુલાકાત બાદ મેં મારું ભાષણ બદલી નાખ્યું. સિદ્ધુ મુસેવાલાને યાદ કરતા તેમણે કહ્યું કે કેટલાક વર્ષો પહેલાં તેઓ મુસેવાલાને મળ્યા હતા. તે સમયે તેઓ મુસેવાલા વિશે વધુ જાણતા ન હતા, પરંતુ તેઓ ખૂબ જ પ્રતિભાશાળી વ્યક્તિ હતા. જ્યારે તેમની મુલાકાત થઈ હતી ત્યારે જ તેમના મનમાં વિચાર આવ્યો હતો કે મુસેવાલા એક ખૂબ જ જોખમી વાતાવરણમાંથી આવી રહ્યા છે.

રાહુલ ગાંધીએ પાછળથી મુસેવાલાનું પ્રખ્યાત ગીત ‘295’ સાંભળ્યું હોવાનો ઉલ્લેખ કરીને ઊંડા દુઃખ સાથે જણાવ્યું કે કઈ રીતે તેમની સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી અને ભરબપોરે તેમની હત્યા કરી દેવામાં આવી. સરકારની કામગીરી સામે લાલ આંખ કરતા તેમણે કહ્યું કે બલકૌર સિંહના પુત્ર સાથે જે બન્યું, તે હવે પંજાબમાં એક ટ્રેન્ડ બની ગયું છે અને આજે દરેક હોંશિયાર તેમજ પ્રતિભાશાળી યુવાનને ગોળીઓથી વીંધી નાખવામાં આવી રહ્યો છે.