નવી દિલ્હી: કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ દેશભરમાં અલગ-અલગ મુદ્દાઓ પર થઈ રહેલા વિરોધ પ્રદર્શનો અને આંદોલનોને એકમંચ પર લાવવા માટે ‘સત્યાગ્રહ’ (Satyagraha) નામના ડિજિટલ પ્લેટફોર્મની શરૂઆત કરી છે. મહાત્મા ગાંધીની 152મી જન્મજયંતિના એક દિવસ બાદ લોન્ચ કરવામાં આવેલા આ પ્લેટફોર્મનો મુખ્ય હેતુ દેશના ખૂણે-ખૂણે પોતાના અધિકારો માટે લડી રહેલા લોકોના અવાજને એકસૂત્રે બાંધવાનો છે.
સોશિયલ મીડિયા પર આ અંગેની જાણકારી આપતાં રાહુલ ગાંધીએ જણાવ્યું કે, “દેશભરમાં વિદ્યાર્થીઓ, ખેડૂતો, આદિવાસીઓ, દલિતો, મહિલાઓ અને યુવાનો પોતાના હક માટે લડી રહ્યા છે, પરંતુ અવારનવાર એકલા પડી જવાથી તેમના અવાજને દબાવી દેવામાં આવે છે. આ ‘સત્યાગ્રહ’ પ્લેટફોર્મ દ્વારા આવા તમામ આંદોલનોને એક જ મેપ પર જોડવામાં આવશે.”
રાહુલ ગાંધીએ લોકોને અપીલ કરી છે કે જો તેઓ કોઈપણ અન્યાય સામે લડાઈ લડી રહ્યા હોય, તો આ પોર્ટલ પર આવીને પોતાની માહિતી અને આંદોલનની વિગતો નોંધાવે. તેમણે ખાતરી આપી હતી કે વિપક્ષના નેતા તરીકે તેઓ સંસદથી લઈને શેરીઓ સુધી આ તમામ ન્યાયી લડાઈઓ સાથે ઉભા રહેશે અને તેમને જરૂરી તમામ સહયોગ પૂરો પાડશે.






