PRLના ઓપન હાઉસ કાર્યક્રમને સાંપડ્યો બોહળો પ્રતિસાદ!

અમદાવાદ: ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL)એ 12મી ઓગસ્ટ, 2024ના રોજ તેના ચારેય કેમ્પસમાં નેશનલ સ્પેસ ડે અને ડૉ. વિક્રમ સારાભાઈની 105મી જન્મ જયંતિની ઉજવણી કરી.

તાજેતરમાં જ ભારત સરકારે 23મી ઓગષ્ટના રોજ રાષ્ટ્રીય અવકાશ દિવસ ઉજવવાની જાહેરાત કરી હતી. 23મી ઓગસ્ટ, 2023ના રોજ ચંદ્રયાન-3 મિશનના વિક્રમ લેન્ડરના સફળ સોફ્ટ લેન્ડિંગ અને ચંદ્ર પર પ્રજ્ઞાન રોવરની તૈનાતીની યાદમાં આ દિવસ ઉજવવાનું નક્કી થયું છે. આ સિદ્ધિ સાથે, ભારત સ્પેસ-ફેરિંગ રાષ્ટ્રોના મહત્વના જૂથમાં જોડાયું છે. ભારત ચંદ્રની સપાટી પર ઉતરનાર ચોથો અને ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક ઉતરનાર પ્રથમ દેશ બન્યો છે.ઉજવણીની શરૂઆત સવારે 8.30 કલાકે નવરંગુપરા સ્થિત PRLના મુખ્ય કેમ્પસમાં ડૉ. વિક્રમ સારાભાઈની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને થઈ હતી. આ પ્રસંગે ડૉ. મલ્લિકા સારાભાઈ, ડૉ. કાર્તિકેય સારાભાઈ, ગુજરાતના પ્રિન્સિપલ ચીફ કમિશનર ઑફ ઈન્કમટેક્સ યશવંત ચૌહાણ, એલ. જે. યુનિવર્સિટીના વાઈસ ચાન્સલર ડૉ. દિનેશ અવસ્થી તેમજ અન્ય આમંત્રિત મહાનુભાવોએ હાજરી આપી હતી. બાદમાં વૃક્ષારોપણ તેમજ PRLમાં રેઈન વોટર હાર્વેસ્ટિંગ પ્લાન્ટનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ચિત્રલેખા.કોમએ PRLના ડિરેક્ટર ડૉ. અનિલ ભારદ્વાજ સાથે વાત કરી. તેમણે જણાવ્યું કે, “અમારી ઓપન હાઉસ ઈવેન્ટમાં આવેલા વિદ્યાર્થીઓએ અહીં લગભગ ત્રણથી ચાર કલાકનો સમય વિતાવ્યો. જેમાં તેમણે વિવિધ મોડલ્સનું નિરીક્ષણ કર્યુ. આ ઉપરાંત વીડિયો, મુવી જેવાં માધ્યમોથી ભૌતિક વિજ્ઞાન અને સ્પેસ વિજ્ઞાનને સરળ રીતે સમજવાનો પ્રયત્ન કર્યો. જે ખરેખર તેમના માટે એક સુખદ અને અલગ જ અનુભવ રહ્યો છે. વિદ્યાર્થીઓએ અને સામાન્ય લોકોએ પણ PRLની મુલાકાત લઈને અનેક પ્રકારની નવી જાણકારી મેળવી છે.” અમદાવાદમાં નવરંગપુરા અને થલતેજ કેમ્પસ, ઉદયપુરમાં ઉદયપુર સોલાર ઓબ્ઝર્વેટરી અને માઉન્ટ આબુ ખાતે PRLની માઉન્ટ આબુ વેધશાળામાં ઓપન હાઉસ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ઓપન હાઉસના કારણે વિજ્ઞાનમાં અને એમાં પણ ખાસ કરીન સ્પેસ સાયન્સમાં રસ ધરાવતા લોકોને PRLના નિષ્ણાંત વૈજ્ઞાનિકો સાથે રૂબરૂમાં વાર્તાલાપ કરવાની તક મળી. ઓપન હાઉસમાં પ્રદર્શિત સાયન્ટિફિક મોડલ્સની મુલાકાત લેવાની અને PRL કેમ્પસમાં અન્ય કાર્યક્રમોમાં ભાગ લેવાની તક મળી. આ કાર્યક્રમને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો. લગભગ 3,000થી વધુ વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકોએ અમદાવાદમાં PRLના બે કેમ્પસની મુલાકાત લીધી. 340થી વધુ વિદ્યાર્થીઓએ ઉદયપુર સોલાર ઓબ્ઝર્વેટરીની મુલાકાત લીધી. મુલાકાતીઓમાં ધોરણ 8 થી 12 સુધીના શાળાના વિદ્યાર્થીઓ, તમામ વિદ્યાશાખાના UG અને PG વિદ્યાર્થીઓ, કોલેજ, યુનિવર્સિટી અને શાળાના શિક્ષકો તેમજ વિજ્ઞાન કમ્યુનિકેશન સાથે જોડાયેલાં લોકો અને વાલીઓનો સમાવેશ થાય છે. આ ઇવેન્ટ દ્વારા PRLએ યુવાનોને વિજ્ઞાનમાં કારકિર્દીના વિકલ્પો વિશે માહિતગાર કર્યા. આ જ યુવાનો ભવિષ્યમાં રાષ્ટ્ર નિર્માણ માટે તેમની પ્રતિભાનું યોગદાન આપવા માટે આગળ આવે તે માટેનો PRLનો આ એક પ્રયાસ હતો.