રાષ્ટ્રપતિ ટ્રમ્પે કેનેડા પર ૩૫ ટકા ટેરિફ લગાવ્યો

વોશિંગ્ટનઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાથી આયાત થતાં ઉત્પાદનો પર 35 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે. આ નવા ટેરિફ 1 ઓગસ્ટ, 2025થી લાગુ પડશે અને અમેરિકામાં આયાત થતાં કેનેડિયન ઉત્પાદનો પર લાગુ પડશે. ટ્રમ્પે કહ્યું હતું કે આ નિર્ણય કેનેડા તરફથી મળતી જવાબી કામગીરી અને ચાલતાં વેપાર વિઘ્નો પ્રત્યેના પ્રતિસાદ રૂપે લેવામાં આવ્યો છે. ટ્રમ્પે એ પણ જણાવ્યું હતું કે તેઓ બાકીના વેપાર સહયોગીઓ પર પણ 15 ટકા કે 20 ટકાનો એકતરફી ટેરિફ લગાવવાની યોજના બનાવી રહ્યા છે.

ટ્રૂથ સોશિયલ પર પોસ્ટ કરેલા એક સત્તાવાર પત્રમાં ટ્રમ્પે ટેરિફમાં થયેલા મોટા વધારા પાછળનાં કારણો રજૂ કર્યાં અને કેનેડા પર મુખ્યત્વે ફેન્ટેનિલ નામની ઘાતક દવા અને અન્ય અનિચ્છનીય વેપાર નીતિઓ મુદ્દે સહકાર ન આપવાનો આરોપ મૂક્યો હતો.

અત્યાર સુધીમાં ટ્રમ્પે 22 દેશોને પત્ર મોકલીને નવા ટેરિફ દરોની રૂપરેખા આપી છે, જેમાં બ્રાઝિલ પરથી આયાત થતી વસ્તુઓ પર 50 ટકા ટેરિફ સામેલ છે. તેમણે તાંબાની આયાત પર પણ 50 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે, જે 1 ઓગસ્ટથી લાગુ પડશે.

ફેન્ટેનિલ અને વેપાર ખાધ

રાષ્ટ્રપતિ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ફેન્ટેનિલના પ્રવેશને અટકાવવામાં કેનેડાની નિષ્ફળતા પણ નવા ટેરિફ માટે જવાબદાર છે. આ પત્રમાં તેમણે લખ્યું હતું કે જેમ કે તમને યાદ હશે, યુનાઈટેડ સ્ટેટ્સે અમારા દેશમાં ફેન્ટેનિલ સંકટથી લડવા માટે કેનેડા પર ટેરિફ લગાવ્યો હતો, જે આંશિક રીતે કેનેડાની દવાઓને રોકવામાં નિષ્ફળ ગયા હોવાને કારણે થયું હતું.

તેમણે ટ્રાન્સશિપમેન્ટ (અન્ય દેશ મારફતે માલ મોકલવો) દ્વારા ટેરિફ ટાળવાના પ્રયત્નો વિરુદ્ધ પણ ચેતવણી આપી હતી અને જણાવ્યું હતું કે આ ઉચ્ચ ટેરિફથી બચવા માટે ટ્રાન્સશિપ થયેલા માલ પર પણ આ ઉચ્ચ દર લાગુ પડશે.