પ્રણવ મુખર્જીની પુત્રી શર્મિષ્ઠા મુખર્જીએ પીએમ મોદી સાથે મુલાકાત કરી

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની પુત્રી શર્મિષ્ઠા મુખર્જીએ સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. આ દરમિયાન શર્મિષ્ઠા મુખર્જીએ પીએમ મોદીને તેમનું પુસ્તક ‘પ્રણવ માય ફાધરઃ અ ડોટર રિમેમ્બર્સ’ અર્પણ કર્યું. શર્મિષ્ઠા મુખર્જીએ પીએમ મોદી સાથેની તેમની મુલાકાતનો ફોટો શેર કર્યો અને સોશિયલ મીડિયા પર લખ્યું, મેં તેમને મારા પુસ્તક ‘પ્રણવ માય ફાધરઃ અ ડોટર રિમેમ્બર્સ’ની કોપી આપી. હંમેશની જેમ તેઓ મારા પ્રત્યે દયાળુ હતા અને બાબા (પ્રણવ મુખર્જી) માટે તેમનો આદર ઓછો થયો ન હતો. આભાર સર.’

કયા દાવા કરવામાં આવ્યા છે?

શર્મિષ્ઠા મુખર્જીએ પોતાના પુસ્તક ‘પ્રણવ માય ફાધરઃ અ ડોટર રિમેમ્બર્સ’માં પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિશે ઘણા દાવા કર્યા છે. મુખર્જીએ પુસ્તકમાં દાવો કર્યો છે કે તેમના પિતા (પ્રણવ મુખર્જી)એ તેમને એકવાર કહ્યું હતું કે રાહુલ ગાંધી ઘણા પ્રશ્નો પૂછે છે, પરંતુ તેમનામાં પરિપક્વતાનો અભાવ છે. મુખર્જીએ પુસ્તકમાં લખ્યું છે કે એકવાર તેમણે તેમના પિતાને પૂછ્યું કે શું તેઓ વડાપ્રધાન નહીં બને? આ અંગે સ્વર્ગસ્થ પ્રણવ મુખર્જીએ કહ્યું કે તેઓ મને પીએમ નહીં બનાવે. કોંગ્રેસે શર્મિષ્ઠા મુખર્જીના દાવાને ફગાવી દીધા છે. તેમજ પાર્ટીનું કહેવું છે કે કદાચ શર્મિષ્ઠા ક્યાંક જવાની તૈયારી કરી રહી છે.