દિલ્હી-NCRમાં પ્રદૂષણની ઇમર્જન્સી, AQI 600ને પાર

નવી દિલ્હીઃ દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં વાયુ પ્રદૂષણ જોખમી સ્તરે પહોંચી ગયું છે. રાષ્ટ્રીય રાજધાની વિસ્તારમાં અનેક વિસ્તારોનું એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 600ને પાર થઈ ગયો છે. નોઈડા, ગ્રેટર નોઈડા, ગાઝિયાબાદ, ગુરગ્રામ અને ફરીદાબાદમાં હવા બહુ જ ઝેરી બની ગઈ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અધિકારીઓએ કડક પ્રદૂષણ નિયંત્રણના પગલાં GRAP સ્ટેજ-4 લાગુ કર્યા છે.

GRAP સ્ટેજ 4 હેઠળ લાગુ પડેલા કડક નિયમો

વાહનો પર પ્રતિબંધ: દિલ્હીમાં ટ્રકોના પ્રવેશ પર પ્રતિબંધ. માત્ર અત્યાવશ્યક સામાન લઈ જનારાં અથવા CNG, LNG, BS-VI ડીઝલ અને ઇલેક્ટ્રિક વાહનોને જ પરવાનગી રહેશે.

કન્સ્ટ્રક્શન પર પ્રતિબંધ: સરકારી તથા જાહેર તમામ નિર્માણ કાર્યો બંધ. અન્ય બિન-જરૂરી કન્સ્ટ્રક્શન પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

કોમર્શિયલ વાહનો પર પ્રતિબંધ: દિલ્હીમાં બિન-જરૂરી વ્યાવસાયિક વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ. માત્ર CNG અને BS-VI ડીઝલ વાહનોને જ મંજૂરી મળશે.

વર્ક-ફ્રોમ-હોમ: ટ્રાફિક ઘટાડવા માટે સરકારી અને ખાનગી કચેરીઓમાં 50 ટકા કર્મચારીઓને ઘરેથી કામ કરવાનો આદેશ.

અધિકારીઓનું કહેવું છે કે પ્રદૂષણ ઘટાડવા અને નાગરિકોની સુરક્ષા માટે આ કડક પગલાં જરૂરી છે. સામાન્ય લોકો પણ માસ્ક પહેરે અને બિનજરૂરી રીતે બહાર ન નીકળે તે સલાહ આપવામાં આવી છે.દિલ્હીમાં પ્રદૂષણ: વાયુ ગુણવત્તા ‘ખૂબ ખરાબ’, ચાર વિસ્તારો ‘ગંભીર’ કેટેગરીમાં

દિલ્હીમાં મંગળવારે સવારે વાયુ ગુણવત્તા ખૂબ જ ખરાબ રહી હતી. સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (CPCB)ના આંકડા મુજબ દિલ્લીનો AQI 344 સુધી પહોંચી ગયો છે. બવાણા, વજીરપુર, જહાંગીરપુરી અને વિવેક વિહાર જેવા ચાર વિસ્તારો ‘ગંભીર’ શ્રેણીમાં નોંધાયા છે. હવામાનની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 9.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે આ સીઝનની સરેરાશ કરતાં 2.7 ડિગ્રી ઓછું છે. મહત્તમ તાપમાન અંદાજે 26 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. હવામાન નિષ્ણાતોના કહેવા મુજબ આગામી કેટલાક દિવસો સુધી વાયુ ગુણવત્તા ‘ખૂબ જ ખરાબ’ રહી શકે છે.