રાજપીપળા/ગાંધીનગર: ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે આગામી ૩૧ ઓક્ટોબરના રોજ સ્ટેચ્યુ ઑફ યુનિટી, એકતાનગર ખાતે ‘રાષ્ટ્રીય એકતા પરેડ-૨૦૨૬’નું આયોજન કરવામાં આવ્યું છે. દેશની અખંડિતતા, સુરક્ષા દળોના શૌર્ય અને રાષ્ટ્રીય એકતાને સમર્પિત આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિશેષ ઉપસ્થિત રહેશે.
આ વર્ષની એકતા પરેડમાં ‘નક્સલ મુક્ત ભારત’ અને ‘વિવિધતામાં એકતા’ના સંદેશને મુખ્ય પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આ પરેડનું સૌથી મોટું અને વિશેષ આકર્ષણ નક્સલ વિરોધી કામગીરીમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર ૪૫ ડોગ સ્ક્વોડ બનશે. આ વફાદાર સાથીઓની હાજરી દેશની આંતરિક સુરક્ષામાં પ્રાણીઓના અમૂલ્ય યોગદાન, તેમની શિસ્ત અને તીક્ષ્ણ ક્ષમતાઓને રજૂ કરશે.
પરેડમાં વિવિધ રાજ્યોની પોલીસ તેમજ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF)ના 19 કન્ટિન્જન્ટ માર્ચપાસ્ટમાં ભાગ લેશે. આ ઉપરાંત, આકર્ષક ઝાંખીઓ, પોલીસ બેન્ડ, મોટરસાયકલ સ્ટંટ પ્રદર્શન, સાંસ્કૃતિક કાર્યક્રમો અને NCC કેડેટ્સની પ્રસ્તુતિ પરેડની શાન વધારશે. અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલના એકતાના સ્વપ્નને સાકાર કરવાનો સંકલ્પ વ્યક્ત કરતી આ પરેડ રાષ્ટ્રગૌરવ અને સુરક્ષા દળોના સમર્પણનું પ્રેરણાદાયી પ્રતીક બની રહેશે.






