PM મોદી અને ટ્રમ્પની આજે વ્હાઇટ હાઉસમાં થશે વાતચીત, જાણો સંપૂર્ણ શેડ્યૂલ

અમેરિકા: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના અમેરિકા પ્રવાસે પહોંચ્યા છે. તેઓ ગુરુવારે વહેલી સવારે વોશિંગ્ટન પહોંચ્યા જ્યાં ભારતીય સમુદાયના લોકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. આજે રાત્રે PM મોદી વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પને મળશે. બંને સાથે ડિનર પણ કરશે.પીએમ મોદી અમેરિકી રાષ્ટ્રપતિના ગેસ્ટ હાઉસ બ્લેર હાઉસમાં રોકાયા છે. વ્હાઇટ હાઉસ ખાતે બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થશે. આ બેઠકમાં બંને નેતાઓ વેપાર, રોકાણ, ઉર્જા, સંરક્ષણ અને ઇમિગ્રેશન પર ચર્ચા કરશે. પીએમ મોદીના પ્રતિનિધિમંડળની કુલ 6 બેઠકો થશે. PM મોદીની અમેરિકા મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે અમેરિકામાં ભારે ઠંડી પડી રહી છે. પરંતુ હિમવર્ષા છતાં, ભારતીય સમુદાય પીએમ મોદીની મુલાકાતને લઈને ઉત્સાહિત છે.

વોશિંગ્ટન પહોંચતા PM મોદીએ કહ્યું કે કડકડતી ઠંડીમાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત થયું. ઠંડી હોવા છતાં, વોશિંગ્ટન ડીસીમાં ભારતીય સમુદાય દ્વારા મારું ખાસ સ્વાગત કરવામાં આવ્યું. હું તેમનો આભારી છું.

ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા પછી બંને નેતાઓની આ પહેલી મુલાકાત છે. પીએમ મોદી ટ્રમ્પને મળનારા ચોથા વિદેશી નેતા છે. આ પહેલા, ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ, જાપાની વડાપ્રધાન અને જોર્ડનના રાજાએ અમેરિકી રાષ્ટ્રપતિને મળ્યા છે.

વોશિંગ્ટન પહોંચતા જ PM મોદીએ કહ્યું કે તેઓ રાષ્ટ્રપતિ ટ્રમ્પને મળવા માટે આતુર છે અને ભારત-અમેરિકાની વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને લઈને પણ ઉત્સાહિત છે. આપણે આપણા લોકોના કલ્યાણ અને આપણા દેશના સારા ભવિષ્ય માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખીશું. PM મોદી આજે ટ્રમ્પ સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. આ ઉપરાંત, તેઓ ઘણા ઉદ્યોગપતિઓ અને ભારતીય સમુદાયના લોકોને પણ મળશે.

ટ્રમ્પ સાથે પીએમ મોદીનું ખાનગી રાત્રિભોજન

રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા વ્હાઇટ હાઉસ ખાતે એક ખાનગી રાત્રિભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં PM મોદી ભાગ લેશે. બેઠક પહેલા અને પછી, બંને નેતાઓ ઓવલ ઓફિસમાં મીડિયાને સંબોધિત કરશે. બધાંની નજર PM મોદીની એલોન મસ્ક સહિત અમેરિકન ઉદ્યોગપતિઓ સાથેની મુલાકાતો પર પણ રહેશે. PM મોદીની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે, જ્યારે અમેરિકાએ તાજેતરમાં 104 ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કર્યા હતા.