PM મોદીના વિમાનનું સાઉદી એર સ્પેસમાં પહોંચતા જ ભવ્ય સ્વાગત કરાયું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના આમંત્રણ પર સાઉદી અરેબિયાની બે દિવસીય મુલાકાત માટે જેદ્દાહ પહોંચ્યા. જ્યારે પીએમ મોદીનું વિમાન સાઉદી એરસ્પેસ પહોંચ્યું ત્યારે તેમનું ખાસ સ્વાગત કરવામાં આવ્યું. રોયલ સાઉદી એરફોર્સના F-15 ફાઇટર જેટ્સે પ્રધાનમંત્રી મોદીના વિમાનને જેદ્દાહ સુધી એસ્કોર્ટ કર્યું. આ વડા પ્રધાનની સાઉદી અરેબિયાની ત્રીજી મુલાકાત છે, જ્યારે તેઓ પહેલી વાર જેદ્દાહની મુલાકાતે આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત અને સાઉદી અરેબિયા પીએમ મોદીની જેદ્દાહ મુલાકાત દરમિયાન ઓછામાં ઓછા છ સમજૂતી કરાર (MOU) પર હસ્તાક્ષર કરવા જઈ રહ્યા છે, જ્યારે બંને દેશોના અધિકારીઓ વચ્ચે કેટલાક વધુ કરારોને અંતિમ સ્વરૂપ આપવા માટે વાતચીત ચાલી રહી છે.

વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને વડા પ્રધાન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે ભારત-સાઉદી અરેબિયા વ્યૂહાત્મક ભાગીદારી પરિષદની બીજી બેઠકની સહ-અધ્યક્ષતા કરશે. મંગળવારે સાઉદી અરેબિયાની બે દિવસીય મુલાકાત માટે રવાના થતા પહેલા પોતાના નિવેદનમાં વડા પ્રધાન મોદીએ કહ્યું, ‘ભારત સાઉદી અરેબિયા સાથેના તેના લાંબા ગાળાના અને ઐતિહાસિક સંબંધોને ખૂબ મહત્વ આપે છે. તાજેતરના વર્ષોમાં, બંને દેશો વચ્ચેના સંબંધોએ વ્યૂહાત્મક ઊંડાઈ અને ગતિ મેળવી છે. બંને દેશોએ સંરક્ષણ, વેપાર, રોકાણ, ઊર્જા અને લોકો-થી-લોકોના સંબંધો સહિત પરસ્પર ફાયદાકારક અને મજબૂત ભાગીદારી વિકસાવી છે.

પ્રધાનમંત્રી મોદીએ 2014 થી અત્યાર સુધી સાઉદી અરેબિયા અને ગલ્ફ દેશો સાથે ભારતના સંબંધોની દિશા બદલી નાખી છે. ૨૦૧૬ અને ૨૦૧૯ માં અગાઉની મુલાકાતો પછી, વડા પ્રધાન મોદીનો ગલ્ફ ક્ષેત્રના કોઈ દેશનો આ ૧૫મો પ્રવાસ છે. વડા પ્રધાનની મુલાકાત અંગે બોલતા, સાઉદી અરેબિયામાં ભારતીય રાજદૂત સુહેલ અજાઝ ખાને કહ્યું, ‘ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે જોડાણની દ્રષ્ટિએ જેદ્દાહ ખૂબ જ મહત્વપૂર્ણ શહેર છે, કારણ કે સદીઓથી જેદ્દાહ બંને દેશો વચ્ચે વેપાર માટેનું બંદર રહ્યું છે અને તે મક્કાનું પ્રવેશદ્વાર પણ છે.’ તો જે કોઈ ઉમરાહ અને હજ માટે આવે છે, તે જેદ્દાહમાં ઉતરે છે અને પછી મક્કા જાય છે.