વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12મી મેના રોજ ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી અને ગ્રામીણ)ના લાભાર્થીઓ માટેના મકાનોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ સાથે અનેક લાભાર્થીઓને ગૃહપ્રવેશ પણ કરાવશે. શુક્રવારે બપોરે 12 કલાકે મહાત્મા મંદિર ખાતે યોજાનાર આ ‘અમૃત આવાસ ઉત્સવ’ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યના કૃષિ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી રાઘવજી પટેલ અને અન્ય મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે.
પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ 7113 મકાનોનું ઉદ્ઘાટન કરવામાં આવશે અને 4331 મકાનોનો શિલાન્યાસ કરવામાં આવશે. બીજી તરફ સરકારની આર્થિક મદદથી 18,997 નવા બનેલા મકાનોમાં ગૃહ પ્રવેશ કરવામાં આવશે. પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ 232 તાલુકાઓના 3740 ગામોમાં 12,000 ઘરોનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ રીતે, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ, કુલ 1946 કરોડ રૂપિયાના ખર્ચે 42,441 મકાનોનું ઉદ્ઘાટન, શિલાન્યાસ અને ગૃહપ્રવેશ કરાવવામાં આવશે.
આ કાર્યક્રમમાં શહેરી વિસ્તારના 4000 અને ગ્રામ્ય વિસ્તારના 3000 લાભાર્થીઓ સહિત કુલ 7000 લાભાર્થીઓ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત મહાનગરો, શહેરો અને ગામડાઓના તમામ લાભાર્થીઓ પસંદગીના સ્થળોએ હાજર રહીને આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે જોડાશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી પોતે પ્રધાનમંત્રી આવાસ (શહેરી અને ગ્રામીણ) યોજનાના 7 લાભાર્થીઓને તેમના ઘરની ચાવીઓ સોંપશે. આ સાથે તેઓ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાજ્યના વિવિધ ક્ષેત્રો સાથે જોડાયેલા અન્ય લાભાર્થીઓ સાથે પણ સંવાદ કરશે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 11.56 લાખ મકાનો પૂર્ણ કરવામાં આવ્યા છે. જેમાં શહેરી વિસ્તારોમાં કુલ 7.50 લાખ મકાનો જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં 4.06 લાખ મકાનોનો સમાવેશ થાય છે.
